કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો સિલસિલો યથાવત, હવે નર ચિત્તા તેજસનું મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કુનો નેશનલ પાર્કમાં મંગળવારે વધુ એક નર ચિત્તાનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા ચિત્તાનું નામ તેજસ છે. ચિત્તાઓના સતત મૃત્યુએ કુનો નેશનલ પાર્કના વહીવટીતંત્રની ચિંતા વધારી છે. મંગળવારે સવારે ૧૧ વાગે મોનિટરિંગ ટીમ દ્વારા નર ચિત્તા તેજસના ઉપરના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેજસની ગરદન પર ઈજાના નિશાન જોયા બાદ મોનિટરિંગ ટીમે તરત જ પાલપુર હેડક્વાર્ટરમાં હાજર વાઈલ્ડલાઈફ ડોક્ટરોને જાણ કરી હતી. દક્ષિણ આફ્રિકા અને નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ૨૦ ચિત્તાઓમાંથી અત્યાર સુધીમાં ૫ મૃત્યુ પામ્યા છે. નર ચિત્તા તેજસને ઈજા થઈ હોવાની માહિતી મળતા વન્યજીવ તબીબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તબીબોએ તેજસની ઇજાની તપાસ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ચિતાના ઘા ગંભીર જણાતા તેજસને બેભાન કર્યા બાદ સારવારની પરવાનગી મળતાં તબીબોની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. તેજસનું સારવાર દરમિયાન બપોરે ૨ વાગ્યે મોત થયું હતું. હવે ચિત્તા તેજસને થયેલી ઈજાઓની તપાસ કરવામાં આવી રહી છે. તેજસના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે. હાલમાં, ચિત્તાઓના સતત મૃત્યુએ ચોક્કસપણે સરકાર અને કુનો નેશનલ પાર્કના વહીવટીતંત્રની સમસ્યાઓમાં વધારો કર્યો છે.

કુનો નેશનલ પાર્કની વાત કરીએ તો હાલમાં કુનો નેશનલ પાર્કમાં ૧૩ ચિત્તા ખુલ્લા જંગલમાં છે.કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા ૨૦ ચિત્તાઓમાંથી અત્યાર સુધીમાં ચાર ચિત્તા મૃત્યુ પામ્યા છે. આ સિવાય ચિંતાની વાત એ છે કે અહીં જન્મેલા ચિત્તાના ચાર બચ્ચામાંથી ત્રણ બચ્ચા પણ મૃત્યુ પામ્યા છે. મંગળવારે મૃત્યુ પામેલા ચિત્તા તેજસને દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સમાં કુનો નેશનલ પાર્કના DFO પીકે વર્માએ તેજસના મોત અંગે જણાવ્યું હતું કે તેજસ કેવી રીતે ઘાયલ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે કારણ કે તેની સાથે અન્ય કોઈ ચિત્તા નહોતા. હાલમાં માત્ર પાંચ ચિત્તા જ રાખવામાં આવ્યા છે અને તેમાંથી એક પણ સાથે નથી.

Share This Article