અમદાવાદઃ શહેરના ગોમતીપુર વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી દરમ્યાન આજે સિલ્વર ફલેટ પાસે જમીન ખાસ્સી એવી પોચી પડી ધસી જતાં બહુ મોટા ગાબડા અને ભુવાની સ્થિતિ સર્જાઇ હતી. અચાનક જમીન ધસી પડતાં મેટ્રો અને વહીવટી તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક સ્થાનિક ફલેટના ૨૧થી વધુ મકાનો ખાલી કરાવાયા હતા અને તેમાં રહેતા તમામ લોકોને સહીસલામત સ્થળે ખસેડી લેવાયા હતા.
બીજીબાજુ, મેટ્રો સત્તાધીશો અને તંત્રના અધિકારીઓએ જમીન ધસી પડવાના કારણોની તપાસ કરી તેના પુરાણ અને રીપેરીંગની અરજન્ટ પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ જમીન એટલી હદે અંદર ધસી ગઇ હતી અને ગાબડા કે ભુવા એટલા મોટા હતા કે, ગમે તેટલી ટ્રકો પુરાણ નાંખતા હતા તોય પુરાણ દેખાતું જ ન હતું. જેને લઇ સ્થાનિક રહીશોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું અને કોઇ મોટી દુર્ઘટના ના સર્જાય તેની પ્રાર્થના કરતાં જાવા મળ્યા હતા. જો કે, મેટ્રો સત્તાધીશોએ આ સમગ્ર મામલે યોગ્ય નિરાકરણ અને જરૂરી પગલાંની હૈયાધારણ આપી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મેટ્રો રેલની કામગીરી દરમ્યાન પૂર્વમાં ગોમતીપુર વિસ્તારમાંથી મેટ્રોનો ટનલ રૂટ પસાર થઇ રહ્યો છે અને તે અંગેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગઇકાલે શહેરમાં પડેલા ધોધમાર વરસાદ અને તેને પગલે ભરાયેલા વરસાદી પાણીને પગલે આજે આ રૂટ પર ગોમતીપુર વિસ્તારમાં સિલ્વર ફલેટ નજીક અચાનક જમીન અંદર ધસી પડી હતી અને તેના કારણે બહુ વિશાળ ગાબડુ અને ભુવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જમીન ધસી પડવાની ઘટના જાઇ સ્થાનિક રહીશો પણ ગભરાઇ ગયા હતા.
બીજીબાજુ, ઘટનાની જાણ થતાં જ મેટ્રો સત્તાધીશો અને તંત્ર પણ દોડતું થઇ ગયુ હતુ કારણ કે, જો સ્થાનિક એપાર્ટમેન્ટ કે ફલેટ ધરાશયી થાય તો મોટી જાનહાનિ સર્જાય તેવી દહેશત ઉભી થઇ હતી. તેથી મેટ્રો સત્તાધીશો અને તંત્રના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક ફલેટના ૨૧ પરિવારોને ત્યાંથી અન્યત્ર સહીસલામત સ્થળે ખસેડયા હતા. જો કે, તેમના ઘરનો માલ-સામાન ત્યાં જ રહેવા દીધો હતો અને રહીશો અને પરિવારના લોકોને સહીસલામત સ્થળે ખસેડી દીધા હતા. ત્યારબાદ તંત્રના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે જમીન ધસી પડવાના કારણ અને તેના પુરાણની દિશામાં યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. જો કે, બાદમાં મેટ્રો સત્તાધીશોએ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ સ્થાનિક નાગરિકોને આશ્વાસન અને હૈયાધારણ આપ્યા હતા કે, આ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરી લેવાશે અને ભવિષ્યમાં કોઇ તકલીક કે દુર્ઘટના ના સર્જાય તેનું ધ્યાન રાખવામાં આવશે.