લખપત ગુરુદ્વારાનો ઇતિહાસ
પ્રથમ ગુરુનો પ્રથમ પ્રસાદ એટલે કે ગુરુનાનકજી સાથે જોડાયેલું ગુરુદ્વારા, જેને પ્રથમ પાતશાહી ગુરુદ્વારા કહેવામાં આવે છે. ગુરુ નાનકજી ઉદાશી એટલ કે ધાર્મિક પ્રસાર યાત્રા દરમિયાન લખપત આવ્યા હતા અને કેટલોક સમય અહીં વીતાવ્યો હતો. તેમની બીજી ઉદાશી ઇસવીસન ૧૫૦૬થી ૧૫૧૩ અને ચોથી ઉદાશી ૧૫૧૯ થી ૧૫૨૧ દરમિયાન તેઓ અહીં આવ્યા હતા. તેઓ લખપત બંદરેથી મક્કા ગયા હતા. આ પાતશાહી ગુરુદ્વારામાં તેમની ચાખડી, શણગારેલો હિંચકો સહિતની વસ્તુ દર્શાનાર્થે રાખવામાં આવી હતી
બેટ દ્વારકા ગુરુદ્વારાનો ઇતિહાસ
જામનગર જિલ્લાના બેટ દ્વારકા ખાતે આવેલું ગુરુદ્વારા શીખોના પ્રાચીન ધર્મસ્થાનો પૈકીનું એક છે. આ ગુરુ દ્વારા ભાઇ મોખમસિંઘજી સાથે જોડાયેલું છે. ગુરુનાનકના પંજ પ્યારે એટલે કે પ્રથમ પાંચ શિષ્ય પૈકી એક ભાઇ મોખમસિંઘજી બેટ દ્વારકાના હતા અને ગુરુદ્વારાના સ્થળે તેમનો નિવાસ હતો.
પ્રવાસીઓને શું ફાયદો થશે ?
ભગ્નનગર લખપત ઐતિહાસિક અને ભૌગોલિક ઘટનાઓને સંગ્રહીને બેઠું છે. સિંઘુ નદીના વહેણ આ નગર પાસેથી વહેતા હતા. એક સમયે લખપત બંદરેથી ભરપૂર નિકાસ થતી હતી. એવી ઉક્તિ પ્રચલિત છે કે લખપતમાં એક દિવસે એક લાખ રૂપિયાના ભાત બનાવવામાં આવતા હતા. એટલા માટે નગરનું નામ લખપત પડ્યું છે. નગરને ફરતે કિલ્લેબંધી હતી. તે દિવાલો અને કોટ આજેય અજેય, અડીખમ છે. કચ્છ આવતા પ્રવાસીઓને લખપત આકર્ષે છે. જ્યારે, બેટ દ્વારકા દ્વાપરયુગ કાલિન છે. અહીં પ્રવાસનપ્રવૃત્તિને વેગ મળે એ માટે બન્ને ગુરુદ્વારાના વિકાસ માટે ૫-૫ કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે. જેમાં નવું ગુરુદ્વારા, સંગ્રહાલય, કિચન, સ્ટોરરૂમ, લંગર હોલ, બગીચો, તળાવનો વિકાસ, ગેસ્ટહાઉસ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે. તેની સાથે પ્રવાસન સંલગ્ન રોજગારલક્ષી પ્રવૃત્તિને વેગ મળશે.