લાભ પાંચમે કચ્છ જિલ્લાની અછત પરિસ્થિતિની સમીક્ષા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિપાવલી- નૂતન વર્ષના તહેવારોની રજાઓ બાદ આજે સરકારી કચેરીઓના કામકાજના પ્રથમ દિવસનો પ્રારંભ અછતગ્રસ્ત કચ્છ જિલ્લાની ઘાસચારા, પાણી પૂરવઠા તથા અન્ય કાર્યોની સર્વગ્રાહી સમીક્ષાથી કર્યો હતો. વિજય રૂપાણીએ લાભપંચમીના શુભદિને વહેલી સવારે આદ્યશક્તિ અંબાજીના દર્શન-પૂજન કરીને ગાંધીનગર પરત આવ્યા બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કચ્છ જિલ્લાના કલેક્ટર અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે જિલ્લાની તલસ્પર્શી અછત રાહત સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં પશુધન માટે ૪ રેલવે રેક તેમજ ટ્રકો દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડથી ઘાસચારો આવેલો છે તે પશુઓને – પશુપાલકોને પૂરતા પ્રમાણમાં મળી રહે છે તેની વિગતો જિલ્લા કલેક્ટર પાસેથી મેળવી હતી. કચ્છ જિલ્લા કલેક્ટરે મુખ્યમંત્રીને આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે અછતગ્રસ્ત કચ્છ માટે ૧ કરોડ કિગ્રા ઘાસની ફાળવણી વલસાડ જિલ્લામાંથી કરવામાં આવી છે.

દિપાવલીના દિવસો દરમિયાન પશુપાલકોને ઘાસચારો પૂરતી માત્રામાં મળી રહે તે માટે ત્રણ દિવસ સુધી અંદાજે ૨૪ લાખ કિલો ઘાસ ૧૦ તાલુકાના ૨૦૪ ઘાસ ડેપો પર ઉપલબ્ધ બનાવવામાં આવ્યું હતું. સમગ્રતયા કચ્છ જિલ્લામાં ફાળવાયેલ ૩ કરોડ કિગ્રા ઘાસમાંથી ૧૧ નવેમ્બર- ૨૦૧૮ સુધીમાં જિલ્લા તંત્ર દ્વારા ૨ કરોડ ૮ લાખ ૩૪ હજાર કિગ્રા ઘાસનો ઉપાડ કરવામાં આવ્યો છે. ઓક્ટોબર સુધીમાં પાંજરાપોળ- ગૌશાળાઓને કુલ ૩૮.૩૪ લાખ કિગ્રા ઘાસ વિતરણ સાથે અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં સમગ્રતયા ૨ કરોડ ૪૮ લાખ કિગ્રા ઘાસનું વિતરણ થયું છે. કચ્છ કલેક્ટરે મુખ્યમંત્રીને જિલ્લાની ગૌશાળા-પાંજરાપોળની વિગતો આપતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ૧ ઓક્ટોબરથી પશુદિઠ ૨૫ની સબસિડી આપવામાં આવે છે. આ અન્વયે અત્યાર સુધીમાં ૬ કરોડ ૩૪ લાખ રૂપિયાની રકમ જિલ્લાની ગૌશાળા-પાંજરાપોળ માટે જિલ્લાતંત્રને ફાળવવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી દિવસોમાં તેઓ સ્વયં કચ્છની મુલાકાત લઇને અછતની સ્થિતિને પહોચી વળવા માટે જિલ્લા તંત્રની સજ્જતાની સમીક્ષા કરશે. તેમણે લાભપંચમીથી રાજ્યની જિલ્લા કલેક્ટર કચેરીઓમાં બિન ખેતી- એનએ પ્રક્રિયા ઓનલાઇન કરવાના થયેલા પ્રારંભ સંદર્ભમાં કચ્છ જિલ્લામાં આ માટે સોફ્‌ટવેર અપડેશન તેમજ અન્ય તકનિકી કામગીરીની પણ સમીક્ષા હાથ ધરી હતી.

Share This Article