‘લાભ પાંચમ’ આજે દૂર્ભાગ્યને દૂર કરવાનો સૂવર્ણ અવસર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દિવાળીના તહેવારનો અંતિમ દિવસ. કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ. લાભ પાંચમને ગુજરાતમા સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી તરીકે પણ ઓળખાય છે. લગ્ન અને માંગલિક કામો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ મનાય છે.

 

આ દિવસે નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ મુહૂર્ત કરે છે. આજથી લાભ પાંચમ સાથે માર્કેટ તેમજ દૂકાનો પૂર્વવત્ ધમધમવા લાગશે.

કારકતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવામાં આવે છે. દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે.

લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ દિવાળીના સત્રની પણ શરૃઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે.

આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ , ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને ‘શ્રી પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે.

આ વૈદિક સૂક્તમાં લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરનારી કહેવામાં આવી છે. દિવાળી બાદ મિની વેકેશન પૂર્ણ થાય અને બજારો ધમધમી ઉઠે તેવો મહત્વનો દિવસ એટલે લાભ પાંચમ. અનેક વેપારીઓ આજે ચોપડા પૂજન ઉપરાંત કાંટા પૂજન કરશે.

Share This Article