અમદાવાદ : ગુજરાત રાજયમાં ભાવાન્તર યોજના લાગુ કરવાની માંગણી સાથે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલીસૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડની હડતાળ આખરે આજે પાછી ખેંચાઇ છે. માર્કેટ યાર્ડની હડતાળ સમેટાતાં રાજયના ખેડૂતોમાં રાહત અને હાશકારની લાગણી ફેલાવા પામી છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અનુરોધ અને કેબીનેટ પ્રધાન જયેશ રાદડિયા સાથેની બેઠક બાદ માર્કેટ યાર્ડ વેપારી એસોસીએશને તેમની અચોક્કસ મુદતની હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. બીજીબાજુ, સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ખેત ઉત્પાદનોની ભરપૂર આવક શરૂ થઇ ગઇ હોવાથી લાભ પાંચમના દિવસથી માર્કેટ યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવશે.
આજથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડની હડતાળ સમેટાતાં તમામ માર્કેટીંગ યાર્ડ ફરી એકવાર રાબેતા મુજબ ધમધમતા થયા હતા. માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાય દિવસોથી ભાસી રહેલો સન્નાટો અને સૂમસામના દ્રશ્યો ગાયબ થયા હતા અને માર્કેટમાં ફરી એકવાર ચહલપહલ સામાન્ય બની હતી. યાર્ડમાં આજથી માલની આવકનો પ્રારંભ થયો છે. હવે આવતીકાલે લાભ પાંચમથી હરાજી શરૂ કરાશે. વેપારી એસોસિએશનની હડતાળનો આખરે અંત આવતાં ખેડૂતોને પણ હાશકારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયમાં પણ દેશના અન્ય રાજયોની જેમ ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે હડતાળ પર ઉતરેલા સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસીએશનના પદાધિકારીઓની આજે એક મહત્વની બેઠક કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સાથે યોજાઇ હતી. ત્યારબાદ એસોસિએશને હડતાળ પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. દરમ્યાન સૌરાષ્ટ્ર એપીએમસી એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, મંત્રી જયેશ રાદડિયા અને રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાની મધ્યસ્થીને લઇને હડતાળ સમેટી લેવામાં આવી છે. ભાવાંતર યોજનાને લઇને આઠ દિવસમાં સરકાર સાથે જયેશ રાદડિયાએ બેઠકની ખાતરી આપી છે. સૌરાષ્ટ્રના તમામ યાર્ડોમાં સોમવારથી હરાજી શરૂ થશે. હડતાળ સમેટાતા જ સૌરાષ્ટ્રના યાર્ડોમાં ખેત ઉત્પાદનની આવક શરૂ થઇ ગઇ છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ૧૦૦ ટ્રક, ટેક્ટર અને ટેમ્પો જણસીની આવક થઇ છે. હડતાળ સમેટાતાં ખેડૂતઆલમમાં રાહતની લાગણી પ્રસરી છે.