ધોલેરા SIRમાં નબળી ગુણવત્તાના સ્ટીલનો વપરાશ કરીને L&T નું ૪૦૦ કરોડનું કૌભાંડ 

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ધોલેરાના સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજ્યનમાં ૨૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં રસ્તાઓ બાંધવા તથા પાણી પુરવઠા તથા ગટરની સુવિધા ઊભી કરવા માટે કરારની શરતમાં નક્કી કરાયેલા સ્ટીલ કરતાં નબળી ગુણવત્તાના સ્ટીલનો ઉપયોગ કરીને લાર્સન એન્ડ ટુબ્રોએ અંદાજે રૂ. ૪૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.

તે વિસ્તારમાં ખારાશવાળી જમીન હોવાથી વહેલું કાટ ન ખાઈ જાય તે માટે એલ એન્ડ ટીને એપોક્સી કોટેટ સ્ટીલનો સમગ્ર બાંધકામ માટે ઉપયોગ કરવા જણાવાયું હતું. પરંતુ તેને બદલે એલ એન્ડ ટીએ ટીએમટી સીઆરએસ સ્ટીલનો ઉપયોગ કર્યો હતો. ટેન્ડર લીધાના ત્રણ મહિના બાદ જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. એ.ઈ.સી.ઓ.એમ.ના પત્રમાં જણાવ્યા પ્રમાણે જે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પરિણામે ટનદીઠ રૂ. ૧૦,૦૦૦નો તફાવત આવી રહ્યો છે. તેને કારણે ખર્ચમાં રૂ.૪૦ કરોડની બચત થતી હતી.

જોકે સ્ટીલની ક્વોલિટીમાં ફેરફાર કરવાની લેખિત સૂચના લાર્સન એન્ડ ટુબ્રોએ એ.ઈ.સી.ઓ.એમ. દ્વારા પાઠવવામાં આવેલા પત્ર મારફતે આપવામાં આવી હોવાથી આ કૌભાંડમાં બંને કંપનીઓની સંડોવણી હોવાનુ તારણ કાઢવામાં આવી રહ્યું છે. આ નિર્ણયની આર્થિક અસર કેવી આવશે તેને ધ્યાનમાં લીધા વિના જ આ સૂચના આપવામાં આવી હતી. સરકારી એજન્સીને તેની યોગ્ય રીતે જાણ કરવામાં આવી નહોતી.

ઉલ્લેખનીય છે કે એ.ઈ.સી.ઓ.એમ.ને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજ્યન વિકસાવવા માટેની કામગીરી પર દેખરેખ રાખવા ગુજરાત સરકારે જ નિયુક્ત કરી છે. આ કામગીરી માટે તેને રૂ.૧૫૦ કરોડની ફી ચૂકવવામાં આવી છે. ૧૫૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં તમામ સુવિધાઓ વિકસાવવા માટેની કામગીરી પર નજર રાખવા માટે તેને ઉપરોક્ત ફી ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ કંપની સરકાર પાસેથી ફી પેટે અત્યાર સુધીમાં રૂ. ૧૦૦ કરોડથી વધુ લઈ ચૂકી હોવા છતાંય તેની કામગીરી સંતોષજનક રહી નથી.

 

 

Share This Article