અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસની મુલાકાતે હતા અને ગઇકાલે સાંજે સોમનાથ ટ્રસ્ટની મહત્વની બેઠક હોઇ તેમાં વડાપ્રધાન મોદીની સાથે કેશુભાઇ પટેલ, લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓ અને મહાનુભાવો પણ ભાગ લેનાર હતા, ત્યારે આ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેવા આવેલા ભાજપના પીઢ અને દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને તંત્રનો કડવો અનુભવ થયો હતો.
જવું હતું હરિદ્વાર અને પહોંચી ગયાં હરિયાણા જેવો ઘાટ ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે થયો હતો. જેમાં અડવાણીનાં કાફલાને એરપોર્ટથી સર્કિટ હાઉસ લઈ જવાને બદલે ભૂલથી રાજભવન લઈ જવાતાં ઉચ્ચ સત્તાધીશોએ ઈન્ચાર્જ અધિકારીનો ઉધડો લઇ નાંખ્યો હતો. કાફલાનાં ઈન્ચાર્જ પી.આઈની ભૂલથી અડવાણીનો કાફલો રાજભવન સુધી પહોંચી ગયો હતો. બનાવની ગંભીરતા ધ્યાને લઇ હાલ આ અંગે એસ.પી ઓફિસ અને કંટ્રોલ રૂમમાં ભૂલની મૌખિક ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આજે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેવા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ભાજપનાં વરિષ્ઠ નેતા અને ગાંધીનગરથી સાંસદ લાલકૃષ્ણ અડવાણી અમદાવાદ આવી પહોંચ્યાં હતા, ત્યારે મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પર આગમન થતાં આ બંન્ને નેતાઓનું ભાજપનાં પદ્દાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે તેઓમાંથી લાલકૃષ્ણ અડવાણીનાં કાફલાને એરપોર્ટથી સર્કિટ હાઉસ લઇ જવાનો હતો ત્યારે અડવાણીનાં કાફલાને ભૂલથી રાજભવન લઇ જવાયો હતો. સમગ્ર બાબતની પાછળથી ખબર પડતાં કાફલાને દોરીસંચાર કરતાં સુરક્ષા કર્મીઓ અને જવાનોમાં દોડધામ મચી ગઇ હતી. ખાસ કરીને ઉચ્ચ સત્તાધીશો દ્વારા કાફલાનાં ઇન્ચાર્જ પી.આઇનો ઉધડો લઇ લેવાયો હતો, તેમજ આ મામલે એસ.પી ઓફિસ અને કંટ્રોલ રૂમમાં ભૂલની મૌખિક ફરિયાદ પણ નોંધાઇ છે. સુરક્ષા કાફલા અને અધિકારીઓની આટલી ગંભીર ભૂલને લઇ ભારે ચકચાર મચી ગઇ હતી તો, તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી.