નવી દિલ્હી : કેન્દ્રીયમંત્રી અને એનડીએના સાથી ઉપેન્દ્ર કુશવાહે ભાજપ ઉપર આજે આકરા પ્રહારો કર્યા હતા. ઉપેન્દ્ર કુશવાહે ભાજપ પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૩૦મી નવેમ્બર પહેલા મળવાનો સમય માંગ્યો હતો પરંતુ બંનેને મળવાની તક મળી નથી. સુત્રોના કહેવા મુજબ ભાજપે તેમની પાર્ટીને જે સીટની ઓફર કરી હતી તેમાંથી વધારે સીટ આપવાનો ઇન્કાર કરી દીધો છે. જેડીયુએ ભાજપને કહ્યું છે કે, તે ઉપેન્દ્ર કુશવાહેને વધારે તક આપશે નહીં. ઉપેન્દ્ર કુશવાહે ચેતવણી આપતા કહ્યું હતું કે, ૩૦મી નવેમ્બર સુધી બિહારમાં બેઠકોની વહેંચણીને લઇને ચિત્ર સ્પષ્ટ કરવામાં આવે.
કારણ કે આનાથી આગળની રણનીતિ બનાવવામાં સરળતા પડશે. મળતી માહિતી મુજબ ઉપેન્દ્ર કુશવાહ હવે એનડીએ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી શકે છે. છઠ્ઠી ડિસેમ્બરના દિવસે કુશવાહે પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે જેમાં એનડીએ સાથે છેડો ફાડવાની જાહેરાત તેઓ કરી શકે છે. સરકાર પાસેથી મંત્રી પદ છોડીને કુશવાહ પોતાની પાર્ટીના પ્રચારમાં લાગી શકે છે. હાલમાં કુશવાહ એચઆરડીમાં રાજ્યમંત્રી તરીકે છે.
ભાજપ અને જેડીયુએ તેમની પાર્ટી રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના નેતાઓને પોતાની તરફેણમાં કરીને અલગ કરી દીધા છે. આરએલએસપીના ધારાસભ્ય અને સાંસદ જેડીયુ અને ભાજપના સંપર્કમાં છે. આનાથી કુશવાહની તાકાત ઓછી થઇ ગઇ છે. હવે યુપીએ દ્વારા પણ તેમને પોતાની રીતે જ સીટો આપી રહી છે. માંગ સ્વીકારવામાં આવી રહી નથી. જેડીયુ અને ભાજપ કુશવાહના મોટાભાગના નેતાઓના સંપર્કમાં છે. કુશવાહને પોતાની પાર્ટીના લોકો જ ફટકો આપે તેવી શક્યતા દેખાઈ રહી છે.