અમદાવાદ : કરોડો રૂપિયાના ખોટા ઇન્વોઇસ બનાવી ખોટી રીતે ઈન્પુટ ટેક્સ ક્રેડિટમાં લેવાના કરોડો રૂપિયાના ચકચારભર્યા કૌભાંડમાં પેકેજીંગ અને પેપર બિઝનેસ સાથે સંકળાયેલી અમદાવાદની કુશલ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર સંદીપ અગ્રવાલની સેંટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી) દ્વારા બદલ ધરપકડ કરવામાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. સીજીએસટીના અધિકારીઓના દરોડા અને તપાસ દરમ્યાન ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી હતી, જેમાં કુશલ લિ. દ્વારા ખોટી રીતે રૂ.૮૮ કરોડથી વધુનો લાભ લેવાયો હોવા ઉપરાંત અનેક બેનામી વ્યવહારો અને બોગસ દસ્તાવેજા, ખોટા બીલ સહિતની અનેક બાબતોનો પર્દાફાશ થયો છે.
સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર કૌભાંડમાં આગળની તપાસ જારી રાખવામાં આવી છે. જેમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી સંભાવના છે. બોમ્બે સ્ટોક એક્સ્ચેંજ (બીએસઇ) પર લિસ્ટેડ આ કંપની ટેક્સ ચોરીના મામલે અગાઉ પણ વિવાદમાં આવી હતી અને હવે જીએસટીમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટને લઈને તે ફરી વિવાદોમાં સપડાઈ છે. સીજીએસટી ડિપાર્ટમેંટના જણાવ્યા અનુસાર બોગસ બિલો બનાવીને કંપનીએ અંદાજે રૂ. ૮૮.૭૮ કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ખોટી રીતે લાભ લીધો હતો.
કંપનીના ચેરમેન સંદીપ અગ્રવાલે જે બીલો બનાવ્યા હતા., તેનો સામાન પહોંચાડાયો જ ન હતો. તમામ પ્રકારના ખરીદ અને વેચાણ માત્ર કાગળ પર જ હતા. આવી રીતે અંદાજે રૂ. ૬૭૨.૩૨ કરોડના બોગસ બિલ બનાવીને લગભગ રૂ. ૮૮.૭૮ કરોડની ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો લાભ ખોટી રીતે મેળવ્યો હતો. સીજીએસટીના અધિકારીઓએ આ સમગ્ર પ્રકરણમાં કલમ-૧૩૨ હેઠળ ઇરાદાપૂર્વકનો અને બિનજામીનપાત્ર ગુનો ગણીને સંદીપ અગ્રવાલની ધરપકડ કરી હતી અને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ડિપાર્ટમેંટને આપેલા પોતાના સ્ટેટમેંટમાં પણ સંદીપ અગ્રવાલે કબૂલ્યું હતું કે, સામાનની કોઈ ભૌતિક રીતે હેરફેર થઈ ન હોવાથી તેને લગતા કોઈ ઈ-વે બિલ, એલઆર કે ટ્રાન્સપોર્ટના કાગળો ઉપલબ્ધ નથી. આ તમામ વ્યવહાર કંપનીના મુખ્ય બિઝનેસથી અલગ એક બેન્ક એકાઉન્ટ ખોલીને કરવામાં આવ્યા છે.
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેંટે કુશલ ગ્રુપની ઓફિસો તેમજ કંપનીના ચેરમેન અને ડિરેક્ટર્સના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. બે દિવસ ચાલેલી આ સર્ચમાં રૂ. ૧ કરોડ રોકડ, ૯ લોકર્સ, રૂ. ૩ કરોડની ફિક્સ ડિપોઝિટ સહિત કરોડોના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા. આના માટે સંદીપ અગ્રવાલ, ડાઇરેક્ટર મનોજ અગ્રવાલ અને કુશલ અગ્રવાલની પૂછપરછ પણ કરવામાં આવી હતી. કુશલ લિમિટેડ નવેમ્બર ૨૦૧૩માં બીએસઇના એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ હતી અને ત્યારબાદ તે મેઇન બોર્ડમાં આવી હતી. વર્ષ ૨૦૧૫માં તેનો ભાવ માત્ર રૂ. ૨ પ્રતિ શેર હતો. નોટબંધીના ચાર મહિના બાદ માર્ચ ૨૦૧૭માં વધીને રૂ. ૩,૦૦૦ થઈ ગયો હતો. કંપની પર એવો આરોપ છે કે તેને ખોટી રીતે પોતાના શેરના ભાવ વધાર્યા હતા અને સાથે જ ફાઇનાન્સિયલ રેકોર્ડમાં પણ મોટા પ્રમાણમા છેડછાડ કરી છે. જો કે, આખરે કંપનીના ચેરમેન સંદીપ અગ્રવાલ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવા જતાં કાયદાના સકંજામાં સપડાયા છે.