આગામી તા.૨૬ નવેમ્બર(ડો. કુરિયનની જન્મ જયંતિ)ના રોજ આવી રહેલા નેશનલ મિલ્ક ડેને લઇ મિલ્ક ફેડેરેશન દ્વારા એક બાઈક રેલીનું આયોજન કરાયું છે અને જુનાગઢથી નીકળેલી આ બાઈક રેલી અમરેલીમાં અમર ડેરી ખાતે આવી પહોંચી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ કૃષિ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ શ્વેત ક્રાંતિના પ્રણેતા અને અમૂલના સ્થાપક ડો.કુરિયન પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ડો.કુરિયન ધર્મ પરિવર્તન માટે ખ્રિસ્તી મિશનરીઓને અમૂલમાંથી ફંડ આપતા હતા. માત્ર એટલું જ નહીં, અંગ્રેજી મીડિયાએ કુરિયનને હિરો બનાવી દીધા હતા. સાંઘાણીના આ નિવેદનને લઇ હવે જોરદાર વિવાદ સર્જાયો છે.
ગુજરાતના રાજકારણમાં તેના ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે. ભાજપના સિનિયર નેતા દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હું આ એટલા માટે કહી રહ્યો છું જેનાથી લોકોને સાચો ઇતિહાસ ખબર પડે. તેમને હટાવવામાં આવ્યાં તેનું કારણ પણ આ જ હતું. જે લોકો તેમની વાહ વાહી કરી રહ્યા હતા તેમને આ વાત ખબર ન હતી. ગુજરાતમાં તેમણે જે કર્યું તે લોકોની સામે આવવું જોઈએ. વાસ્તવમાં અમૂલના સ્થાપક સરદાર પટેલ અને ત્રિભોવન પટેલ ભૂલાઈ ગયા છે. જે ઘણી દુઃખદ બાબત કહી શકાય પરંતુ હવે સાચા ઇતિહાસને લોકોની સામે લાવવાની જરૂર છે. વધુમાં તેમણે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, અમુલના સ્થાપક સરદાર પટેલ અને ત્રિભોવન પટેલને ભૂલીને ડો. કુરિયનને શા માટે આગળ કરાયા? અંગ્રેજી અખબારોએ કુરિયનને હીરો બનાવ્યા હતા. મને માહિતી છે કે, તેઓ ગુજરાતીઓને બદલે ક્રિશ્ચિયનોને વધુ મહત્વ આપતા હતા. એટલું જ નહીં ક્રિશ્ચિયન મિશનરીને ફંડ આપી ધર્મ પરિવર્તનનું કામ પણ કરાવતા હતા. સંઘાણીના આ નિવેદનને લઈને કોંગ્રેસ દ્વારા પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
સાંઘાણીના આ નિવેદનને લઇ હવે મોટો વિવાદ સર્જાયો છે અને ગુજરાતના રાજકારણમાં તેના પ્રત્યાઘાત પણ શરૂ થઇ ગયા છે. દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, સરકાર ખરેખર તો, અમૂલનું ખાનગીકરણ કરવા માંગે છે. સાંઘાણીએ તેમના પક્ષના જ નેતાઓને સલાહ આપવી જોઇએ કે, સરકાર અને તેના નેતાઓ રાજયના પશુપાલકો અને ખેડૂતોને બાનમાં લેવાનો પ્રયાસ ના કરે. ભાજપ સરકાર પશુપાલકો અને ખેડૂતોના હિતની ચિંતા કરવાને બદલે રાજકારણ રમી રહી છે.