એક જમાનો હતો જ્યારે દાગીનાનો મતલબ સોના કે સાંદીનાં ઘરેણાં જ થતો હતો. સમયાંતરે તેમાં મોતી અને મીનાકારીનાં ઘરેણાં ઉમેરાતાં ગયા. હવે ઘરેણાં માત્ર મિલકત જ નહીં પરંતુ ફેશન સ્ટેટમેન્ટ પણ બન્યાં છે. ચાંદી, સોના અને મોતી સિવાય પ્લેટિનમ જ્વેલરી, ઈમિટેશન જ્વેલરી અને સ્ટેટમેન્ટ જ્વેલરી પણ આજકાલ પસંદ કરવામાં આવી રહી છે. તેમાં પણ કુંદનની જ્વેલરીને સદાબહાર ગણવામાં આવે છે, કેમકે કુંદનકારી વાળી જ્વેલરી તમને કોઈ પણ પ્રકારનાં પરિધાન પર શોભી શકે છે. તેમાં પણ ઘણાં બધા પ્રકાર જોવા મળે છે.
કુંદન જ્વેલરીમાં રાણીહાર તમને રોયલ લુક આપે છે. જો તમે વેસ્ટર્ન ડ્રેસ સાથે કુંદન જ્વેલરી પહેરવા માંગતા હોવ તો સિંગલ લાઈન નેકલેસ અને તેની સાથે સ્ટર્ડ પહેરી શકો છો.
કુંદન જ્વેલરી પણ વિવિધ પ્રકારની હોય છે. સોનાના દાગીનામાં કુંદન જડાઉ સ્વરૃપે હોય છે, જ્યારે આર્ટીફિશીયલ જ્વેલરીમાં પ્લાસ્ટિક કે સ્ટોન કુંદનની જ્વેલરી ફ્રેમમાં સ્ટીક કરવામાં આવે છે. આ કુંદન જ્વેલરીમાં ત્રણ કે ચાર લાઈન ડાયમન્ડ સાથે મોતી કે માણેક સાથે કોમ્બીનેશન સેટ કરી શકાય છે.
કુંદન હેવી જ્વેલરીમાં રીવર્સેબલ જ્વેલરી પણ ખૂબ ટ્રેન્ડમાં છે. જેમાં એક તરફ કુંદન અને બીજી તરફ મીનાકારી જોવા મળે છે, જેમાં એક જ સેટમાં તમને બે અલગ અલગ લુક મળી શકે છે.
બ્રાઈડલ સેટમાં કુંદન સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તેમાં ગળાનાં ચોકર, લોન્ગ સેટ, દામણી, ટીક્કો, બાદુબંદ, બેન્ગલ્સ, નથણી, કંદોરા અને પાયલ પણ હોય છે.