આવતીકાલે કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકારની બનવા જઈ રહી છે. જોકે એ પહેલાની પ્રક્રિયાને પૂર્ણ કરવામાં હાલ બન્ને પક્ષો વ્યસ્ત છે. જેડીએસના વડા એચડી કુમારસ્વામી કર્ણાટકના મુખ્ય પ્રધાન બનવા જઇ રહ્યા છે.
તેઓ બુધવારે મુખ્ય પ્રધાન પદે શપથ ગૃહણ કરશે. જોકે તે પહેલા કુમારસ્વામી દિલ્હીમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળ્યા હતા. તેમની આ મુલાકાત અંગે મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન કુમારસ્વામીએ જણાવ્યું હતું કે ગાંધી પરિવાર પ્રત્યેનો મારો આદર પ્રગટ કરવા તેમજ શપથવિધિમાં હાજર રહેવા હું તેમને આમંત્રણ પાઠવવા માટે આવ્યો હતો.
બીએસપીના વડા માયાવતીને પણ કુમારસ્વામી મળ્યા હતા. બસપાએ પણ કર્ણાટકમાં કુમારસ્વામીને ટેકો આપ્યો છે અને તેનો એક ધારાસભ્ય છે. જેને પગલે આ મુલાકાત કરી હતી. કુમારસ્વામી બુધવારે મુખ્ય પ્રધાન પદે શપથ ગ્રહણ કરવાના છે.
જેડીએસ પાસે કોંગ્રેસ કરતા ઓછી બેઠકો હોવાથી કોંગ્રેસને વધુ મંત્રી પદ મળવાની શક્યતાઓ છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસને ૨૦ જ્યારે જેડીએસને ૧૩ મંત્રીપદ મળી શકે છે.