અમદાવાદ : વર્ષ ૨૦૧૯-૨૦થી ગુજરાતમાં એનસીઇઆરટી કોર્સ અમલી બનવા જઈ રહ્યો છે ત્યારે આજે તા.૧લીમેના રોજ ગુજરાત રાજયના સ્થાપના દિને શૈક્ષણિક ટેકનોલોજીની દુનિયામાં કુમાર પ્રકાશન કેન્દ્રએ ઐતિહાસિક ક્રાંતિ સર્જતા ધોરણ-૯થી ૧૨ના અભ્યાસમાં મોબાઇલ એપ્લીકેશન ફ્રી ઓગમેન્ટેડ રિઆલિટી, થ્રી ડી વીડિયો લાઇવ લોન્ચ કર્યા છે, જેને પગલે આ વિદ્યાર્થીઓ માત્ર ગુજરાત કે ભારત જ નહી પરંતુ વિશ્વકક્ષાએ શૈક્ષણિક સ્પર્ધામાં ટક્કર આપી શકશે.
આ અનોખી અને ઐતિહાસિક ટેકનોલોજીની વિશેષતા એ છે કે, વિદ્યાર્થીઓ કોઇપણ બુકમાં મોબાઇલ એપ ડાઉનલોડ કર્યા બાદ જે તે સબ્જેકટ કે ટોપીક પર કલીક કરતાં જ તે બાબત તેના મોબાઇલ કે ટેબલેટ-નોટપેડમાં થ્રી ડી મોડેલમાં લાઇવ બની જાય છે. એટલે સુધી કે, આખી લેબોરેટરી કે તે સંબંધિત અભ્યાસ કે ડેમો પણ વિદ્યાર્થી તેની હથેળીમાં જ લાઇવ સમજી શકશે. વિદ્યાર્થી ઘરમાં બેઠાબેઠા કે, બહાર કોઇ સ્થળે કે ટ્રાવેલીંગ દરમ્યાન પણ પોતાના મોબાઇલ કે ટેબલેટ-નોટપેડ પર આ ઓગમેન્ટેડ રિઆલિટી અને થ્રી ડી લાઇવના એહસાસ સાથે પોતાનો શૈક્ષણિક અભ્યાસ કરી શકશે જે બહુ મોટી વાત કહી શકાય એમ કુમાર પ્રકાશન કેન્દ્રના સ્થાપક શ્રી હેતલ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક ટેકનોલોજીની દુનિયામાં કુમાર પ્રકાશન કેન્દ્રની આ ઐતિહાસિક હરણફાળ છે.
આજે તા.૧લી મે ગુજરાત સ્થાપના દિને પુસ્તકો સાથે ડિજિટલાઇઝેશન મેળવવાના અમારા સ્થાપક વડીલોના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા ગુજરાતી ભાષામાં મોબાઈલ એપ્લીકેશન ફ્રી ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) પ્લસ ૩ ડી વિડિઓ દર્શન લોન્ચીંગ કરવાનો અમને ગર્વ અને ખુશી છે. ગુજરાતમાં વર્ષ૨૦૧૯-૨૦થી એનસીઇઆરટી કોર્સ અમલી બનવા જઈ રહ્યો છે, ત્યારે રાજયમાં પહેલીવાર કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાનના વિષયને સરળ રીતે સમજવા ફ્રી ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) પ્લસ ૩ ડી વિડિઓ દર્શન મોબાઈલ એપ્લીકેશન ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી અને કુમાર દર્પણ ગ્રંથોના વ્યાપક ઉપયોગ દ્વારા, ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા ગુજરાતના ધોરણ ૯થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે.
દૂરના ગામોમાં વસતા વિદ્યાર્થીઓ પણ આ એપ્લિકેશન મદદથી અને ૩ડી વિડિઓ દર્શનનો ઉપયોગ કરીને તેમની કુશળતા વિકસાવી શકશે. કુમાર પ્રકાશન કેન્દ્રના સ્થાપક શ્રી હેતલ શાહ અને પંકજ શાહે વધુમાં ઉમેર્યું હતું કે, એક ચીની કહેવત છે કે, એક ચિત્ર હજાર શબ્દોની કિંમત છે, હજાર શબ્દોમાં ટેક્સ્ટની સામગ્રીને વાંચવા છતાં પણ વિદ્યાર્થીઓ ક્યારેક સંપૂર્ણ રીતે સમજી શકતા નથી, પરંતુ રંગીન ચિત્રને જોઈને તે કોઈપણ વિદ્યાર્થીઓ માટે સમજવું શક્ય બનશે. આ એપ્લિકેશન શાળા અથવા ઘરે ક્યાંય વર્ચ્યુઅલ વર્ગખંડમાં પ્રયોગશાળા બનાવશે. પ્રયોગશાળામાં ઉપલબ્ધ ન હોય તેવા ઉપકરણો મોબાઈલ અથવા ટેબ્લેટનો ઉપયોગ કરીને ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના વિષયમાં આવતી આકૃતિઓ સરળ રીતે સમજી શકશે અને વિદ્યાર્થીઓ આનંદ અને ધૈર્ય સાથે વર્ચ્યુઅલ બાબતોના વિગતવાર અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામો મેળવી શકશે. વર્ચ્યુઅલ રિયાલિટીમાં ૩૬૦ ડિગ્રીમાં કોઇપણ લાઇવ સબ્જેકટ તે રોટેશન કરી શકશે. આ અત્યાધુનિક ટેકનોલોજીના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધવાની સાથે સાથે તેમના જ્ઞાનમાં વધારો થશે અને તેઓ દરેક સબ્જેકટ કે ટોપીક વધુ અસરકારકતાથી સમજી શકશે અને યાદ રહી જાય તે રીતે મગજમાં ઉતારી શકશે. સૌથી નોંધનીય વાત એ છે કે, એક વખત એપ ડાઉનલોડ થઇ જાય પછી અભ્યાસ કે તેના ઉપયોગ માટે ઇન્ટરનેટની પણ જરૂરિયાત રહેતી નથી.