નવી દિલ્હી : પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય નાગરિક કુલભુષણ જાધવ પર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાંથી મળેલી મોટી જીત અંગે સમગ્ર દેશમાં ખુશી છે ત્યારે જુદી જુદી પ્રતિક્રિયા મળી રહી છે. વિદેશમંત્રી એસ જયશંકરે ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે, આઈસીજેના નિર્ણયથી ભારતની જીત થઇ છે. સાથે સાથે પાકિસ્તાન સમક્ષ જાધવને મુક્તિ આપવાની માંગ પણ કરવામાં આવી છે. જયશંકરે કહ્યું હતું કે, કુલભૂષણ જાધવને મુક્ત કરવામાં આવે તેવી અમારી ફરીએકવાર માંગણી છે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશના લોકો જાધવના પરિવારની સાથે છે.
જાધવના પરિવારના સાહસની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, તમામ દેશવાસીઓ તરફથી એક સમાનતાની ખાતરી મળી રહી છે. આ સંવેદનશીલ મુદ્દા ઉપર ભારતની જીતથી ગૃહમાં પણ ખુશી છે. આમા કોઇ શંકા નથી કે, ગૃહ પણ જાધવના પરિવારની સાથે છે. સરકાર જાધવની સુરક્ષા માટે આગળ પણ બનતા તમામ પ્રયાસો કરશે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ૨૦૧૭માં સરકારે સંકલ્પ કર્યો હતો કે, જાધવની સુરક્ષાની ખાતરી કરવા બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે. સરકારે આ દિશામાં તમામ પ્રયાસો પણ કર્યા છ જેમાં આઈસીજેમાં જવાનો મામલો પણ સામેલ છે. જયશંકરે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકારના પ્રયાસોની વિરોધ પક્ષો પણ પ્રશંસા કરશે તેવો અમને વિશ્વાસ છે. હરિશ સાલ્વેના નેતૃત્વમાં ભારતની લીગલ ટીમની પ્રશંસા પણ થવી જોઇએ. તેઓએ યાદ અપાવ્યું હતું કે, કુલભુષણને પાકિસ્તાનની લશ્કરી કોર્ટે ઉભા કરવામાં આવેલા આરોપો હેઠળ ફાંસીની સજા ફટકારી હતી. કુલભૂષણને કોઇપણ પ્રકારની કાયદાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી ન હતી.
આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ કાર્યવાહી ચાલી નહતી. તેમણે કહ્યું હતું કે, ઇન્ટરનેશનલ કોર્ટનો ચુકાદો માત્ર ભારત માટે જ નહીં બલ્કે તમામ માટે જીતની ખુશી છે. કાયદામાં વિશ્વાસ કરનાર તમામ લોકોની જીત થઇ છે. ભારતે કુલભૂષણની સુરક્ષાના ભાગરુપે આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા જેના ઉપર આઈસીજેના ૧૬ જજ પૈકી ૧૫ જજાએ એક સુરમાં ભારતની દલીલોને સ્વીકારી લીધી હતી. બીજી બાજુ આજે વિદેશ મંત્રાલય દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છ કે, ઇન્ટરનેશનલ કોર્ટના ચુકાદાનું ભારત સ્વાગત કરે છે. જાધવને લઇને આવેલો ચુકાદો તમામ માટે અંતિમ અને તેને પાળવા માટેનો ચુકાદો છે. પાકિસ્તાનને હવે કોઇપણ વિલંબ કર્યા વગર કાઉન્સિર એક્સસની સુવિધા આપવી પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનને હવે કુલભૂષણને તમામ પ્રકારની કાયદાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે. પાકિસ્તાનને જાધવની સજાની સમીક્ષા માટે દરેક જરૂરી પગલા લેવા પડશે.