નવીદિલ્હી : સંસદના બજેટ સત્રની આજે શરૂઆત થઇ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના સંયુક્ત સત્રને સંબોધતા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી યોજનાઓને લઇને સાડા ચાર વર્ષના આંકડા રજૂ કર્યા હતા. કેન્દ્રની આયુષ્યમાન યોજનાથી લઇને ઉજ્જવલા યોજના તથા સામાજિક-આર્થિક ન્યાય માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાનો કોવિંદે ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં દેશના ખેડૂતોને લઇને ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની સરકારે ખેડૂતોની આવકને વધારવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસ કર્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની સરકારમાં દેશનો વિકાસદર ૭.૨ ટકાના દરે વધ્યો છે. તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારની હવે કોઇ જગ્યા રહી નથી. રાષ્ટ્રપતિએ આ વર્ષે પ્રથમ વખત મતઆપનાર લોકોને શુભેચ્છા પાઠવી હતી. લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારના અંતિમ બજેટ સત્ર તરીકે છે. પોતાના ભાષણમાં યુવાઓ, મહિલાઓ, ત્રિપલ તલાક, જનધન યોજના, ઇસરો, સામાજિક અને આર્થિક ન્યાયના કાર્યોનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
કોવિંદે કહ્યું હતું કે, તેમની સરકારે દેશમાં આર્થિક વિકાસની ખાતરી કરવા માટે અનેક મોટા પગલા લીધા છે. ઓબીસી પંચને બંધારણીય દરજ્જા આપવાથી લઇને ૧૦૩માં સુધારા કરીને આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, નાગરિકતા સુધારા બિલ મારફતે અન્યાયના કારણે અન્ય દેશમાંથી આવેલા દેશના નાગરિકોને નાગરિકતા આપવામાં આવી છે. મુÂસ્લમ મહિલાઓને ભય અને કોઇ ડર વગર સ્વતંત્રરીતે જીવવા માટે ત્રિપલ તલાક બિલને સંસદમાં પસાર કરવાના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. ગરીબીના દૂષણને દૂર કરવા માટે સામાન્ય વર્ગના જે લોકો શિક્ષણના અધિકારથી વંચિત રહી જતાં હતા તેમના માટે જનરલ ક્વોટા લાગૂ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં આયુષ્યમાન ભારત યોજનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, હજુ સુધી લાખો લોકો આ યોજનાનો લાભ લઇ ચુક્યા છે. દેશના ગરીબ લોકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. દેશમાં હજુ સુધી ૬૦૦ જિલ્લાઓમાં ચાર હજાર જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવી ચુક્યા છે. તેમણે ઉમેર્યં હતું કે, તેમની સરકાર સ્ટેન્ટની કિંમતોમાં ઘટાડો કર્યો છે. મિશન ઇન્દ્રધનુષ યોજના મારફતે દેશભરમાં રસીકરણ યોજનાને અસરકારક બનાવવામાં આવી છે. તેમની સરકાર આરોગ્ય સાથે જાડાયેલી યોજનાઓ ઉપર ઝડપથી કામ કરી રહી છે. આ ઉપરાંત ૨૧ કરોડ લોકોને વિમા સુરક્ષા યોજના આપવામાં આવી છે. રાષ્ટ્રપતિના અભિભાષણમાં ખેડૂતોના મામલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોવિંદે કહ્યું હતું કે, ખેડૂતોની અર્થવ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે.
ખેડૂતો અર્થવ્યવસ્થાના મુખ્ય આધાર તરીકે છે. તેમની આવકને બેગણી કરવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસ થઇ રહ્યા છે. કૃષિ સંશાધનો અને બિયારણોની ખરીદી માટે ખેડૂતોની સુવિધા સુધરે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. સરકાર દ્વારા ૨૨ પાકના એમએસપીને પાકથી દોઢ ગણા કરીને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ખેડૂતોને વૈજ્ઞાનિકરીતે ખેતીમાં મદદ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. યુરિયાના ૧૦૦ ટકા નિમકોટિનના પ્રયાસથી ફાયદો થયો છે. ઓછા પ્રિમિયમ ઉપર ખેડૂતોની પાક પર વિમાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પાક બજાર સુધી પહોંચે તે પહેલા બગડે નહીં તે માટે પણ પ્રયાસ થઇ રહ્યા છે. વિવિધ જગ્યાઓએ કોલ્ડસ્ટોરેજની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. ઉજ્જવલા યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, આ યોજનાથી ૬ કરોડ લોકોને સીધો ફાયદો થયો છે.
ગરીબ પરિવારોને ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. દેશના દરેક ગામડા સુધી હવે વિજળી ઉપલબ્ધ થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં વિજળી પહોંચાડવા વચન અપાયું હતું જે પૂર્ણ કરાયું છે. વાજપેયીના કામોને યાદ કરતા કોવિંદે કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાનની કામગીરીને આગળ વધારીને દિવ્યાંગ ભાઈ-બહેનો માટે અનેક પગલા લેવાયા છે. ૧૨ લાખ દિવ્યાંગ લોકોને જનસહાયતા સાધનો અપાયા છે. સરકાર દરેક વર્ગ માટે ગંભીર છે