જાણીતા સિંગર કેકેનું મંગળવારે મોડી રાતે એક લાઈવ કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેકથી દુઃખદ નિધન થયું. હવે એક અન્ય ચોંકાવનારા સમાચાર એ આવ્યા છે કે કેકેના માથા પર ઈજાના નિશાન મળી આવ્યા છે જેને લઈને કોલકાતા પોલીસે કેસ દાખલ કર્યો છે. કેકેના માથા અને ચહેરાના ભાગ પર ઈજાના નિશાન મળ્યા હોવાનું કહેવાય છે. જાે કે પોસ્ટમોર્ટમ બાદ જ વિગતો સ્પષ્ટ થઈ શકશે. પણ આ બાજુ સૂત્રોનું એવું કહેવું છે કે કેકેને બે ઈજા જાેવા મળી છે.
એક ઈજા તેમના માથાના ભાગે અને બીજી ઈજા તેમને મોઢા પાસે થઈ છે. પોસ્ટમોર્ટમ બાદ જ ઈજા વિશે વધુ માહિતી મળી શકશે. ડોક્ટરોનું પણ કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું અસલ કારણ જાણી શકાશે. કેકેના મૃત્યુ મામલે કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અપ્રાકૃતિક મોતનો કેસ દાખલ કરાયો છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું ઓડિટોરિયમમાં લોકની સંખ્યા મર્યાદિત સંખ્યા કરતા વધુ હતી કે નહીં.
એસી બરાબર કામ કરતું હતું કે નહીં. આ ઉપરાંત પોલીસ જે રીતે કેકે પરફોર્મન્સ દરમિયાન બીમાર પડ્યા એ બાબતે પણ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે. કેકેના નિધનથી તેમના ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. તેમના પાર્થિક શરીરને બપોરે ૧૨ વાગે પ્રાઈવેટ હોસ્પિટલથી એસએસકેએમ હોસ્પિટલ લઈ જવાશે. અહીં તેમના પાર્થિવ શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ કેકેના માથે અને મોઢે થયેલી ઈજાઓ વિશે વધુ માહિતી સ્પષ્ટ થઈ શકશે.
કેકેના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્ર છે. કેકેના નિધન બાદ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પત્ની અને પુત્ર લગભગ ૯ વાગે કોલકાતા પહોંચે તેવી શક્યતા છે. સિંગર કેકેના ગીતો દરેક પેઢીના લોકોને ખુબ પસંદ પડતા હતા. તેમણે માચિસ ફિલ્મના ગીત ‘છોડ આયે હમ વો ગલીયા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પણ અસલ ઓળખ તો ‘હમ દીલ દે ચૂકે સનમ’ ફિલ્મના ‘તડપ તડપ’ ગીતથી મળી. આ ગીતે તેમને દેશ વિદેશમાં જબરદસ્ત ખ્યાતિ અપાવી.
કેકે નો જન્મ ૨૩ ઓગસ્ટ ૧૯૬૮ના રોજ દિલ્હીમાં થયો હતો અને તેમણે હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલિયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં પણ ગીત ગાયા હતા. કેકેની વિદાયથી તેમના ચાહકો ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. તેમને હજુ પણ વિશ્વાસ નથી થતો કે કેકે તેમની વચ્ચે નથી.