સાઉથમ્પ્ટન : વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં વધારે પડતી અપીલ કરવા બદલ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને દંડ ફટકારવામાં આવ્યો છે. વિરાટ કોહલીને મેચ ફીની ૨૫ ટકા રકમનો દંડ કરવામાં આવ્યો છે. શનિવારના દિવસે અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં આઈસીસીના નિયમોના ભંગ બદલ તેને દોષિત ઠેરવીને આ સજા કરવામાં આવી હતી. આંચારસહિતાના લેવલ એકના ભંગના મામલામાં તેને દોષિત ઠહેરવામાં આવ્યો છે. આઈસીસી દ્વારા નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, કોહલીને આઈસીસીની આંચારસહિતાનો ભંગ કરવા બદલ સજા કરવામાં આવી છે.
આઈસીસીના નિયમ ૨.૧ હેઠળ તેને દોષિત જાહેર કરાયો છે. આ નિયમ મુજબ કોઈ આંતરરાષ્ટ્રીય મેચમાં ખેલાડી દ્વારા વધારે પડતી અપીલ કરવાના મામલામાં દંડ કરવામાં આવે છે. અફઘાનિસ્તાનની મેચમાં ૨૯મી ઓવરમાં કોહલી એલબીની અપીલ કરીને અંપાયર અલીમ ડાર તરફ આગળ વધ્યો હતો. કોહલીએ મેચ રેફરી ક્રિસ બ્રોડની સામે પોતાની ભુલ સ્વીકારી લીધી હતી. જેથી કોહલીની સામે કોઈ સત્તાવારની કાર્યવાહીની જરૂર ન હતી. આની સાથે જ કોહલીના ખાતામાં એક ડી મેરિટ પોઈન્ટ જાડી દેવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર ૨૦૧૬ની નવી આંચારસહિતા હેઠળ કોહલી બીજી વખત દોષિત જાહેર કરાયો છે. જાન્યુઆરી ૨૦૧૮માં આફ્રિકાની સામે રમાયેલી મેચ દરમિયાન પણ કોહલીને સજા કરવામાં આવી હતી. તે ગાળામાં પણ તેની ફી કાપી દેવાઈ હતી. લેવલ એક હેઠળ વધારામાં વધારે ૫૦ ટકા ફી કાપવામાં આવે છે. આગામી મેચોમાં કોહલીને અપીલોને લઈને સાવચેત રહેવુ પડશે.