રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને છે. આ સેવાને અદ્યતન ટેકનોલોજી સાથે જોડીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મોબાઇલ એપ્લીકેશન કાર્યરત કરાઇ છે. આ સેવા ક્ષેત્રે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત સરકારે ડીજીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં અનેક નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. જેના પરિણામે ગુજરાત દેશને નવી રાહ ચીંધાનારું બન્યું છે.
૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો લાભ નાગરિકોને ઝડપથી પુરો પાડવા આ મોબાઇલ એપ્લીકેશન આશીર્વાદરૂપ બનશે અને અનેકવિધ ફાયદા રાજ્યના નાગરિકોને થશે. આ એપ્લીકેશન દ્વારા સિટીઝન મોડ્યુલ, ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ (ડ્રાઇવર) મોડયુલ,ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન મોડ્યુલ અને હોસ્પીટલ મોડ્યુલ કાર્યરત કરાયા છે. જે ઓછા સમયમાં ઝડપથી દર્દીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવા અને સારવાર આપવા મદદરૂપ બનશે. આ નવતર અભિગમની વિશેષતાઓ આ મુજબ છે :
(૧) સિટીઝન મોડ્યુલ:
- મોબાઇલ એપલીકેશન મારફતે જો કોઇ ઘટના સ્થળેથી કોલ કરે તો કોલ કરનારનુ ચોક્કસ સ્થળ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશાના લેટ લોંગ સાથે મળી જશે, જેથી ટેલીફોન ઓપરેટર દ્વારા ઘટના સ્થળ સહિતની માહિતી મેળવવા માટે સમયનો બચાવ થશે.
- કોલ કરનાર વ્યક્તિ ઘટના સ્થળે આવી રહેલ ૧૦૮ એમ્બ્યુલન્સનો પહોંચવાનો અંદાજીત સમય તેમજ ક્યાં પહોંચી છે તેની રીયલ ટાઇમ માહિતી મેળવી શકશે.
- ૧૦૮ મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી કોલ કરનાર વ્યક્તિ ઘટના સ્થળની નજીકમાં આવેલ સરકારી કે ખાનગી હોસ્પિટલ તેમજ બ્લડ બેંકની જાણકારી મેળવી શકશે.
- આ માહિતીને આધારે નજીકની યોગ્ય હોસ્પિટલમાં દર્દી કે ઇજાગ્રસ્ત વ્યક્તિને લઇ જવો તે નિર્ણય કરવામાં મદદરૂપ બનશે. તેમજ દર્દીને જે હોસ્પિટલમાં દાખલ કરાયો છે તે હોસ્પિટલના લોકેશન સાથેની માહિતી એપ્લીકેશન થકી દર્દીના સગા વ્હાલાને ત્વરીત મોકલી શકાશે. જેથી હોસ્પિટલનું એડ્રેસ લખાવાનો તેમજ શોધવાના સમયનો બચાવ થાશે.
(૨) ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર મોડ્યુલ:
- મોબાઇલ એપ્લીકેશન મારફતે કોલ કરનાર સીટીઝનનું સ્થળ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશાના લેટ લોંગ સાથે જરૂરી માહિતી સહિત મળી જશે જેથી રિસ્પોન્સ સેન્ટરમાં કોલ લેનાર ઑપરેટરને માહિતી મેળવવાના સમયનો બચાવ થશે.
- ઘટના સ્થળથી નજીકમાં આવેલ એમ્બુલન્સને ઝડપથી પસંદ કરી દર્દીને મદદ માટે મોકલવામાં સરળતા થશે.
- ઘટના સ્થળે દર્દીની મદદ માટે મોકલેલ એમ્બ્યુલન્સ કયા પહોચી તેની જીવંત માહિતી કોમ્પ્યુટરમાં જોઈ શકાશે.
(૩) પાયલોટ (ડ્રાઇવર) મોડયુલ:
- ૧૦૮ એમ્બ્યુલન્સ એપ્લીકેશનના ગુગલ નકશાની મદદથી ટુંકા રસ્તે ઘટના સ્થળે ત્વરીત પહોંચી જશે.
- ખાસ કરીને શહેરી વિસ્તારોમાં દિવસના વ્યસ્ત કલાકો દરમિયાન એમ્બ્યુલન્સના ડ્રાઇવરને ૧૦૮ એપ્લીકેશનના માધ્યમથી ગીચ ટ્રાફીકની જાણકારી મળી રહેશે. જેથી એમ્બ્યુલન્સને અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી સત્વરે દર્દી સુધી પહોચી હોસ્પિટલમાં દાખલ કરી શકાશે.
- ઘટના સ્થળેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલથી પરત મુળ એમ્બ્યુલન્સ સ્થળે પહોચવાનો જીવંત સમય તેમજ એમ્બ્યુલન્સના વપરાયેલ કિલોમીટર વગેરેની માહિત એપ્લિકેશનના માધ્યમથી ત્વરિત રાજ્યના મુખ્ય ઇમરજન્સી સેન્ટરમાં માહિતી મળી જશે.
(૪) ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન મોડ્યુલ
- ૧૦૮ એપ્લીકેશનના માધ્યમથી દર્દીની સ્થિતિ તેમજ આપેલ સારવાર વગેરેના પેશન્ટ કેર રેકોર્ડ ડીઝીટલાઇઝ ડેટા હોસ્પીટલ તેમજ જીવીકે ઇએમઆરઆઇના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને ઓનલાઇન મળી જશે.
- ૧૦૮ મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી ઇએમટી દ્વારા દર્દીને ઘટના સ્થળથી નજીકમાં આવેલ સરકારી કે ખાનગી હોસ્પીટલમાં તેમજ બ્લડ બેંકની જાણકારી મેળવી શકશે અને દર્દીને કયાં લઈ જવો તે નિર્ણય કરવામાં મદદ રૂપ બની જશે.
- અંદાજે દર માસે સરેરાશ ૧ લાખ જેટલા લાભાર્થીઓનો ડિજીટલાઇઝ ડેટા બેઝ તૈયાર થશે. જે માહિતીનો રીચર્સ અને તાલીમમાં મહત્વનો ઉપયોગ થઇ શકશે.
- તાજેતરમાં દર માસે સરેરાશ ૧ લાખ જેટલા લાભાર્થીઓને આપવામાં આવેલ પેશન્ટ કેરની હાર્ડ કોપી બનાવવામાં આવે છે જેમાં જિલ્લા દીઠ કોપી મેળવવામાં વ્યતિત થતો કિંમતી સમય તેમજ સંસાધનનો બચાવ થશે.
(૫) હોસ્પિટલ મોડ્યુલ
- ખાસ કરીને અકસ્માતગ્રસ્ત, દાઝેલ દર્દી, હાર્ટ એટેક, બ્લડલોસ વિગેરે જેવા દર્દી કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઘટના સ્થળેથી લઇ ૧૦૮ એપ્લીકેશનના માધ્યમથી પસંદ કરેલ હોસ્પિટલને દર્દીની સ્થિતિ અંગેની આગોતરી માહિતી ઓનલાઇન મોકલી શકાશે. જેથી હોસ્પીટલ ખાતે આવનાર દર્દી કે ઇજાગ્રસ્ત વ્યક્તિની અગાઉથી જાણકારી મળેલ હોવાથી હોસ્પીટલ સ્ટાફ દર્દીની નાજુક સ્થિતિ તેમજ રોગની ગંભીરતા મુજબ દર્દીને અનુરૂપ તબીબી સેવા માટે તૈયાર રહેશે, જેથી દર્દીને ખુબ જ ઝડપી સરવાર મળી શકશે.
- ૧૦૮ એપ્લીકેશનના માધ્યમથી હોસ્પિટલમાં આવી રહેલ એમ્બ્યુલન્સને પહોંચવાનો અંદાજીત સમય તેમજ એમ્બ્યુલન્સના સ્થળની જીવંત માહિતી ઇમરજન્સી વોર્ડના કર્મચારી દ્વારા જોઇ શકાશે.
- હોસ્પિટલમાં રહેલ ઉપલબ્ધ સુવિધાની માહિતી ૧૦૮ એપ્લીકેશનથી સમયાંતરે અપડેટ કરી શકાશે.
(૬) એપ્લીકેશનના અન્ય ફાયદાઓ
- રાજ્યમાં દર માસે સરેરાશ ૧૨,૦૦૦ જેટલા રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકો ૧૦૮ એમ્યુલન્સ સેવાનો લાભલે છે. જેથી રોડ અકસ્માતના મહત્વની ભુમિકા ભજવનાર રોડ ઉપર આવેલ બ્લેક સ્પોટને ૧૦૮ એપ્લીકેશનના માધ્યમથી જીઓ ટેગ કરી ઓળખી શકાશે અને આ ડીજીટલ માહિતી આધારે બ્લેક સ્પોટ દુર કરવા માટે પોલીસ તેમજ માર્ગ-મકાન વિભાગ સાથે અસરકારક સંકલન કરી શકાશે.
- ૧૦૮ એપ્લીકેશનના માધ્યમથી લોકો આ સેવાની કાર્યક્ષમતા તેમજ ગુણવત્તા બાબતે પોતાનો અભિપ્રાય (ફિડબેક) આપી શકશે.
- સમગ્ર દેશમાં ગુજરાતની ૧૦૮ ઇમરજન્સી સેવા પેપરલેશ વ્યવસ્થા સાથે આગળ વધનાર પહેલુ રાજ્ય બની જશે.
- ૧૦૮ એપ્લીકેશનએ સમગ્ર ભારતમાં ગુજરાત પ્રથમ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવામાં એમ ગવર્નસનો ઉપયોગ કરતું રાજ્ય બની જશે.