મ્યુનિ શાળાના ધાબા ઉપર પતંગો નહી ચગાવી શકાય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: ઉત્તરાયણની ઉજવણી તો જોરશોરથી થાય જ છે, પરંતુ તેની સાથે અકસ્માતોની ગંભીર સમસ્યા પણ જોડાયેલી છે. ઉત્તરાયણે અકસ્માતના સંખ્યાબંધ કિસ્સા ધ્યાનમાં આવે છે. ધારદાર દોરીના કારણે સર્જાતા અકસ્માત અને ધાબા તેમજ રસ્તા પર પતંગ ઉડાડતી વખતે સર્જાતા અકસ્માત ચિંતાનો વિષય છે. તે જોતાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સ્કૂલબોર્ડની શાળાઓને મેદાન કે ધાબા પર કોઈને પણ પતંગ નહીં ચગાવવા દેવા આદેશ આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ શાળાઓમાં તા. ૧૪ અને ૧પમીએ મકરસંક્રાંતિ અને વાસી ઉત્તરાયણની રજા જાહેર કરવામાં આવી છે.

આ દિવસે શહેરમાં બાળકો સહિત સૌ કોઈમાં પતંગ ચગાવવાનો ઉત્સાહ જોવા મળે છે અને સવારથી તેઓ ધાબા પર ચઢી જતાં હોય છે તો કેટલાક ધાબા ન હોય તો સ્કૂલના કે અન્ય જગ્યાએ ચઢી જઈને પતંગ ચગાવતા હોય છે, જેના કારણે ઘણી વખત અક્સ્માતના કિસ્સા બનતા હોય છે, જે જોતાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડે તમામ સ્કૂલને કોઈ પણ મેદાનમાં કે ધાબા પર પતંગ ચગાવવા ચડે નહીં તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે.

પરિપત્રમાં વધુ જણાવ્યું છે કે ઉત્તરાયણમાં રજાઓ દરમિયાન સ્કૂલે મુખ્ય દરવાજો, ગ્રાઉન્ડ ફ્‌લોરથી ઉપલા માળે જવાનો દરવાજો, ધાબા પર જવાનો દરવાજો અને સ્કૂલના તમામ ઓરડાનાં બારી-બારણાંઓ બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી કોઇ વ્યક્તિ કે બાળક સ્કૂલમાં પ્રવેશ કરીને પતંગ ચગાવે નહીં તેમજ કોઈ ઘટના ન બને તેનું ધ્યાન રાખવું. કોઈ પણ સ્કૂલને આવી મંજૂરી આપવામાં આવી નથી અને આપવામાં આવી હશે તો તેને પણ રદ ગણવામાં આવશે તેની નોંધ લેવી એવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. બાળકોની સલામતી અને સુરક્ષાને લઇ અમ્યુકોના સ્કૂલ બોર્ડ સત્તાધીશોએ આ નિર્ણય કર્યો છે.

 

Share This Article