અમદાવાદ : અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રાંરભ થયો હતો ત્યારે બીજીબાજુ, શહેરના પાલડી વિસ્તારમાં અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આજે ઓમ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે આયોજિત અનોખો પતંગ મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. જાણીતા ઓમઋષિ સંત શ્રી અને ઓમ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક પ્રીતેશભાઇએ દિવ્યાંગ અને મેન્ટલી રિટાર્ડય બાળકોને પ્રોત્સાહન આપવા અને તેઓને રોકડ રકમ સહિતના પ્રોત્સાહક ઇનામો એનાયત કરવા માટે ખાસ હાજરી આપી હતી.
દિવ્યાંગ બાળકો માટેના આ અનોખા પતંગ મહોત્સવમાં અમદાવાદ શહેર, તેની આસપાસના વિસ્તારો, વડોદરા, સાણંદ, ધોળકા સહિતના વિસ્તારોમાંથી ૫૦૦થી વધુ દિવ્યાંગ બાળકો તેમના વાલીઓ સાથે ભાગ લેવા આવ્યા હતા. દિવ્યાંગ બાળકોએ તેમના માટે ડીજેના તાલ અને મ્યુઝિક પાર્ટી, ડાન્સ-ધમાલ, મસ્તી તેમ જ ઉંધીયા-જેલીબીની જયાફત વચ્ચે પતંગ ચગાવવાની અને પેચ કાપવાની જબરદસ્ત મોજ માણી હતી. જે દરમ્યાન દિવ્યાંગ બાળકોના ચહેરા પરની નિર્દોષ ખુશી અને આનંદ જાઇ દિવ્યાંગ પતંગ મહોત્સવ સાચા અર્થમાં સફળ થયો હોય તેવી અનુભૂતિ વર્તાઇ હતી. આજના પતંગ મહોત્વસ દરમ્યાન દિવ્યાંગ બાળકોએ રંગબેરંગી ફુગ્ગા ખુલ્લા આકાશમાં ઉડાડી પ્રેમ અને શાંતિનો અનોખો સંદેશો પણ આપ્યો હતો. આ પ્રસંગે જાણીતા ઓમઋષિ સંત શ્રી અને ઓમ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક પ્રીતેશભાઇએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોને પણ નોર્મલ માણસોની જેમ તહેવારોની ખુશી, આનંદ અને મનોરંજન મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે તેવો સંદેશો આપવાના આશયથી આ દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. તેઓ છેલ્લા ૨૫ વર્ષોથી દિવ્યાંગો માટે સતત કાર્યરત અને સેવાકાર્યો કરતા આવ્યા છે અને એક પછી એક અનેકવિધ પ્રોજેકટો દિવ્યાંગોના ઉત્કર્ષ અને પગભર કરવા માટે અમલમાં મૂકી રહ્યા છે.
નજીકના ભવિષ્યમાં તેઓ ઓમ્કાર દિવ્યાંગ ટ્રેનીંગ સેન્ટર સ્થાપવામાં આવશે કે જેમાં દિવ્યાંગ બાળકો નોર્મલ લાઇફ કેવી રીતે જીવી શકે તેની પૂરેપૂરી તાલીમ અને માર્ગદર્શન અપાશે. જાણીતા ઓમઋષિ સંત શ્રી અને ઓમ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક પ્રીતેશભાઇએ વધુમાં ઉમેર્યું હતું કે, દિવ્યાંગ બાળકોને દેશના વિકાસ માટે મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા પણ અમે અગાઉ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સમક્ષ રજૂઆતો કરી છે. જયાં સુધી દિવ્યાંગો દેશના મુખ્ય પ્રવાહમાં સમાવિષ્ટ નહી થાય ત્યાં સુધી દેશનો સાચો વિકાસ શકય નથી. અમે ચૂંટણીમાં દિવ્યાંગો માટે રિઝર્વેશન રાખવાની પણ રજૂઆત કરી છે કે જેથી દિવ્યાંગોના પ્રશ્નો અને તેમની પીડાને વાચા આપનાર કોઇ પ્રતિનિધિ સત્તામાં બેસી તેમની સમસ્યાનો ઉકેલ લાવી શકે.
દિવ્યાંગોને જીવનસાથી શોધી આપવાના ઉમદા આશય સાથે આગામી એપ્રિલ માસમાં ઓમ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ જીવનસાથી સંમેલન યોજાઇ રહ્યું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગ યુવક-યુવતીઓ ભાગ લેશે. ટ્રસ્ટ દ્વારા તેઓને લગ્ન પણ કરાવી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઓમ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દેશભરના ૨૫૦૦થી વધુ દિવ્યાંગો માટે કેન્દ્ર સરકારની નિરામય હેલ્થ પોલિસીનું પ્રિમીયમ ભરવામાં આવે છે. તો, દિવ્યાંગ લોકોની પ્રેરણા માટે હિન્દીમાં દિવ્યાંગ સેતુ નામનું મેગેઝિન પણ પ્રસિધ્ધ કરાય છે. ભવિષ્યમાં ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ યુનિવર્સિટીની સ્થાપનાનું પણ આયોજન છે. ઓમઋષિ સંત શ્રી અને ઓમ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક પ્રીતેશભાઇએ દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓને આજે આશીર્વચન આપી દિવ્યાંગ પતંગ મહોત્સવના દિવ્યાંગ બાળકોને રોકડ રકમ સહિતના પ્રોત્સાહક ઇનામો પણ એનાયત કર્યા હતા.