અમદાવાદ : કાર્ટિસ્ટ દ્વારા યોજાયેલી બીજી વાર્ષિક કાર્ટિસ્ટ યાત્રા અમદાવાદ પહોંચી ગઈ છે, જે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તા.૧૩મી જાન્યુઆરી સુધી રહેશે. જૂના જમાનાથી માંડી નવા જમાનાની ગાડીઓ પર ઓટોમોબાઇલ આર્ટ, કારના સ્પેરપાર્ટસમાંથી ફર્નીચર સહિતની ચીજવસ્તુઓ અને આર્ટ ઇવેન્ટસને લઇ આ કાર્ટિસ્ટ યાત્રાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જારદાર આકર્ષણ જમાવ્યું હતું. પતંગ મહોત્સવમાં આવતાં લોકો ખાસ કરીને મહિલાઓ, બાળકો અને યુવાનો આ આર્ટ વર્ક અને રંગેબરંગી કાર સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી.
કાર્ટિસ્ટ યાત્રાના ઓર્ગેનાઇઝર હિમાંશુ જાંગીડે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તા.૯મી જાન્યુઆરીએ જયપુરથી નીકળેલી આ કાર્ટિસ્ટ યાત્રા દેશના દસ મોટા શહેરોમાં ૮૦ દિવસ સુધી પરિભ્રમણ કરશે. જે પ્રજાજનો અને ઓટોમોબાઇલ પ્રેમીઓને એકતા અને ઓટોમોબાઇલ આર્ટને પ્રોત્સાહન માટેનો અનોખો સંદેશો આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાંથી કાર્ટિસ્ટ યાત્રામાં ૪૦થી ૫૦ જૂની કે નવી ગાડીઓ જાડાવાની આશા છે. પૂંજાભાઇ નામના વ્યકિતએ આપેલી મારૂતિ કાર પર લાઇવ આર્ટ વર્ક આજનું સૌથી મોટુ આકર્ષણ રહ્યું હતું. કાર્ટિસ્ટ યાત્રાની આ વખતની થીમ યુનિટી રાખવામાં આવી છે.
તા.૧૩મી જાન્યુઆરી સુધી કાર્ટિસ્ટ યાત્રા અમદાવાદમાં રહ્યા બાદ તે ગોવા, બેંગ્લોર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, કોલકત્તા, લખનૌ, ગુરૂગ્રામ અને ચંદીગઢ સહિતના શહેરોમાં પરિભ્રમણ કરશે અને પ્રજાજનો તેમ જ ઓટોમોબાઇલ પ્રેમીઓને એકતા અને ઓટોમોબાઇલ આર્ટને પ્રોત્સાહનનો સંદેશો આપી તેની મહત્તા સમજાવશે. કાર્ટિસ્ટ યાત્રાના ઓર્ગેનાઇઝર હિમાંશુ જાંગીડે વધુમાં ઉમેર્યું કે, કાર્ટિસ્ટ યાત્રા મારફતે કલાકારો ઓટોમોબાઈલ આર્ટની લાઇન પર આર્ટવર્ક, આર્ટ ઇવેન્ટ્સ, આર્ટ વર્કશોપ્સનો ટ્રેઇલ, અમદાવાદના કલા પ્રેમીઓને કલા અને કલાકારોની સુંદર દુનિયા સાથે એકીકૃત કરશે. ભાગ લેનારા કલાકારો તેમની વિશિષ્ટ શૈલીમાં કેનવાસ પર ચિત્રો દોરે છે. કલાકારો ઓટોમોબાઇલ થીમ પર આર્ટિફેક્ટ્સ બનાવી રહ્યા છે. ફક્ત કેનવાસ પર નહીં, ઓટોમોબાઇલ્સ પર પણ થીમ્સ બનાવવામાં આવશે. સહભાગીઓ ઓટોમોબાઈલ આર્ટ ડિક્વિક્શનની પોતાની વિશિષ્ટ શૈલીમાં જુદા-જુદા ઓટોઇન્ફેક્ટસ બનાવશે.
કાર્ટિસ્ટ જર્નીમાં, કલા, ઓટોમોબાઇલ, ડિઝાઇન, વારસો અને સંસ્કૃતિ પર ઇન્ટરેક્ટિવ સત્ર પણ યોજવામાં આવશે. આ કાર્ટીસ્ટ યાત્રામાં ૨૦ કલાકારોનું એક જૂથ યાત્રા સાથે મુસાફરી કરી રહ્યું છે જે દેશના વિવિધ સ્થળોએ એકતાનો સંદેશો ફેલાવશે. આ ઉપરાંત, જીવંત આર્ટવર્ક બનાવવાની સત્રના ભાગરૂપે આ યાત્રા ૧૦૦ કુશળ અને ઉભરતા કલાકારોને તેમની કુશળતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપી રહી છે. કાર પર રંગેબરંગી અને આકર્ષક આર્ટવર્કને લઇ કાર્ટિસ્ટ યાત્રાની કાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવેલા હજારો મુલાકાતીઓ ખાસ કરીને યુવાઓ, બાળકો અને મહિલાઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. લોકો આર્ટવર્ક દર્શાવતી કાર સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જાવા મળ્યા હતા.