આંતરરાષ્ટ્રિય પતંગોત્સવ – ૨૦૧૮, રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણીએ રંગારંગ પ્રારંભ કરાવ્યો.
રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલીએ આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવને ખુલ્લો મુકતાં જણાવ્યું કે, પતંગ એ મનુષ્યને આગળ વધવાની સાથે પ્રગતિનો અનેરો સંદેશ આપે છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આ પતંગોત્સવ સ્વસ્થ પ્રતિસ્પર્ધાની ઉર્જાનો સંચાર કરે છે ત્યારે એકતા ધરાવતા આપણાં સમાજમાં સૌ સાથે મળીને વિકાસ માટે આપણાં ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ઉતરાયણનો આ ઉત્સવ પતંગ-દોરી, પવન-સૂર્યની જેમ એક મેકને સાથે મળીને આપણને સૌને આગળ, પતંગની જેમ નવી ઉંચાઇ આંબવાની પ્રેરણા આપશે.
રાજ્યપાલશ્રીએ ઉતરાયણ પર્વે અને ૨૦૧૮નાં નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ આ અવસરે પાઠવી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉતરાયણનું પતંગ પર્વ રાજ્યની વિકાસ યાત્રા માટે ‘સ્કાય ઇઝ ધ લીમીટ’નું ઉડાન પર્વ અને સામાજીક સમરસતાનું પર્વ બને તેવું પ્રેરક આહવાન કર્યું છે.
મુખ્ય મંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, મકરસંક્રાતિ – ઉતરાયણના ઉમંગ પર્વને રંગબેરંગી પર્વ સાથે એકતાથી મનાવીને સામજીક સૌહાર્દ આનંદ ઉલ્લાસનો સંદેશ પ્રસરાવવો એ સમયની માંગ છે.
મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીની પ્રેરક ઉપસ્થિતીમાં સાબરમતી રિવરફ્રન્ટનાં સાનિધ્યે ૨૮માં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ નવરાત્રિ અને ઉતરાયણનો પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ – પહેચાન બની ગયા છે તેનો હર્ષ વ્યક્ત કરતાં ઉમેર્યું કે, ગુજરાતના જનજીવનને પર્વો-ઉત્સવોની ઉજવણીથી ધબકતું વાઇબ્રન્ટ રાખવાનો આ અભિનવ વિચાર વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્દષ્ટિનો પરિપાક છે.
સૂર્યપાસના – સૈાર ઉર્જાના મહાત્મ્યનો ઓચ્છવ ગણાવતાં તેમણે જણાવ્યું કે, આ ઉતરાયણ પર્વ પતંગ ઉડાન સાથે પર્યાવરણ રક્ષાનો પ્રાકૃતિક સ્ત્રોતથી શક્તિ મેળવી જનજીવનને સ્વસ્થ રાખવાનો પણ અનેરો ઉત્સવ છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ પતંગોત્સવ – પતંગ ઉડ્ડયન દરમિયાન નિદોર્ષ પંખીઓને કોઇ હાનિ ન પહોંચે તેનો ખાસ અનુરોધ કરતાં રાજ્ય સરકારે હાથ ધરેલાં કરૂણા અભિયાનની ભૂમિકા પણ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ મકરસંક્રાતિથી ઉત્તર તરફનું સૂર્ય પ્રયાણ સૂર્યની ઉર્ધ્વગતિ ગુજરાત અને સૌ ગુજરાતીઓ માટે ઉર્ધ્વગતિનો સૌનો સાથ સૌનો વિકાસનો અવસર બને તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
પ્રવાસન મંત્રી શ્રી ગણપતભાઇ વસાવાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રવાસન વિભાગ દ્વારા ૭મી જાન્યુઆરી થી ૧૪મી જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ શહેરોમાં પતંગ મહોત્સવ ઉજવાશે. આ વર્ષે ૪૪ દેશોના ૧૫૦થી વધુ, ૧૮ રાજ્યોના ૨૦૦થી વધુ અને ગુજરાતના ૩૦૦ પતંગબાજો પતંગોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. શ્રી વસાવાએ જણાવ્યું કે, પતંગ મહોત્સવથી ૨.૮૨ લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે તેમજ રૂપિયા ૫૭૨ કરોડનું ટર્નઓવર આ પતંગ મહોત્સવથી થઇ રહ્યું છે.
પતંગોત્સવના આ અવસરે મંત્રીશ્રીઓ સર્વ શ્રી કૌશિકભાઇ પટેલ, ઇશ્વરસિંહ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, મેયર શ્રી ગૌતમભાઇ શાહ, ધારાસભ્ય સર્વ શ્રી અરવિંદભાઇ પટેલ, જગદીશભાઇ પંચાલ, ભૂપેન્દ્રભાઇ પટેલ, ઇશ્વરભાઇ પટેલ, પ્રવાસન સચિવ શ્રી એસ.જે.હૈદર, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ શ્રી વી.પી.પટેલ, પ્રવાસન નિગમના એમ.ડી. જેનુ દેવન, કલેક્ટર શ્રીમતી અવંતિકાસિંઘ, વિવિધ દેશોના હાઇકમિશનરશ્રીઓ-પ્રતિનિધિઓ સહિત ઉત્સવપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.