પહેલીવાર પુત્રી સાથે દેખાયા કીમ જોંગ ઉન, તાનાશાહની તસવીર દુનિયાભરમાં થઇ વાયરલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વર્તમાન સમયમાં નોર્થ કોરિયાના કિમ જોંગ ઉન દુનિયાના સૌથી મોટા તાનાશાહ ગણાય છે. વર્ષો સુધી તેના પરિવાર વિશે પણ લોકો પાસે કોઈ માહિતી નહોંતી. વર્ષ ૨૦૧૨ સુધી તો એવી માહિતી પણ કોઈની પાસે નહોંતી કે કિમ જોંગ ઉન પરિણીત છે. આતો એકવાર તે જાહેરમાં પોતાની પત્ની સાથે દેખાયા અને દુનિયાએ તેની નોંધ લીધી. અલબત્ત દુનિયાને ખબર પડે એ આશયથી જ કિમ જોંગ ઉને આ ઘટનાક્રમ ઉભો કર્યો હતો. ત્યારે ગઈકાલે શુક્રવારના રોજ ફરી એકવાર કિમ જોંગ ઉનની આવી જ કેટલીક તસવીરો દુનિયાભરના સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. જેમાં દુનિયાનો સૌથી ખતરનાક તાનાશાહ પહેલીવાર પોતાની પુત્રી સાથે જોવા મળ્યો. નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને તેમની પુત્રીની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

કિમ જોંગની પુત્રીનો આ પ્રથમ પબ્લિક એક્સપિરયન્સ છે. આ પહેલાં દુનિયાએ તેમની પુત્રીને ક્યારેય જોઈ નહોતી. જોકે મીડિયામાં તેમની પુત્રીનું નામ જણાવવામાં આવ્યું નથી. ૨૦૧૨માં કિમ જોંગ ઉનની પત્ની રી સોલ જૂ પ્રેગનેન્ટ હોવાની માહિતી મળી હતી. તેની એક તસવીર સામે આવી હતી, જેમાં તેણે લાંબો કોટ પહેર્યો હતો. મીડિયાએ કહ્યું હતું કે તે તેના બેબી બમ્પને છુપાવી રહી છે. જોકે કિમ અને તેમની પત્ની સહિત કોઈપણ સરકારી અધિકારીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. નોર્થ કોરિયાની એક ન્યૂઝ એજન્સી અનુસાર, કિમ તસવીરમાં પોતાની પુત્રીનો હાથ પકડી રહ્યા છે. વ્હાઈટ કલરની જેકેટ પહેરીને તેમની પુત્રી અને કિમ એક મિલિટરી ફેસિલિટીની બહાર ઊભાં છે. જે મિલિટરી ફેસિલિટીની બહાર બંને ઊભાં છે ત્યાં શુક્રવારે એટલે ૧૮ નવેમ્બરે બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કિમની પત્ની રી સોલ જૂ પણ તેમની સાથે હતી.

Share This Article