કઠુઆ: દેશના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલા શેલ્ટર હોમના બાળકો સાથે શોષણના મામલા સતત સપાટી ઉપર આવી રહ્યા છે. હવે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવો જ એક મામલો સપાટી પર આવ્યો છે. એક ગેરકાયદે ચાલી રહેલા હોસ્ટેલમાં બાળકો પર શોષણના મામલામાં ખુલાસો થયો છે. પોલીસે આજે આ બાળક સુધાર ગૃહમાંથી ૨૦ બાળકોને બચાવી લીધા છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરીને તમામ બાળકોને બચાવ્યા હતા. મુક્ત કરાવવામાં આવેલા બાળકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.
આ તમામ બાળકોને કેરળના એક નિવાસીના આવાસથી છોડાવવામાં આવ્યા છે. આ ગેરકાયદે હોસ્ટેલના સંચાલકના પણ કનેકશન હોવાનું જાણવા મળી રહ્યું છે. પઠાણકોટના એક ચર્ચ સાથે તેના સંબંધો રહેલા છે. થોડાક મહિના પહેલા જ કઠુઆમાં ગુર્જર બકરવાલ સમુદાયની એક બાળકી ઉપર ગેંગરેપની ઘટના બાદ તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. પોલીસે બે કલાક સુધી ઓપરેશન ચલાવ્યા બાદ ૨૦ બાળકોને મુક્ત કરાવી લીધા છે.