અમદાવાદ: અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામે આવેલા ખેતલાઆપા ચોક અને આસપાસની દુકાનોને તોડી પાડવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓની તજવીજને પડકારતી સ્થાનિક વેપારીઓ દ્વારા કરાયેલી રિટ અરજી આજે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફતે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે ખેતલાઆપા ચોક અને તેની આસપાસના દુકાનદારોને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીમાં હસ્તક્ષેપ કરવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓની કાર્યવાહીને એક રીતે વાજબી ઠરાવી હતી.
અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામે આવેલા ખેતલાઆપા ચોક અને આસપાસની દુકાનોને તોડી પાડવા અંગે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા કામગીરી આરંભાઇ હતી, જેને લઇ સ્થાનિક દુકાનદારોએ હાઈકોર્ટમાં રિટ અરજી કરવામાં આવી હતી. દુકાનદારોએ અમ્યુકોની કામગીરી અને કોઇપણ પ્રકારની તોડફોડ સામે હાઇકોર્ટ પાસે રક્ષણ માંગ્યું હતું. અરજદારો નાના વેપારીઓ છે અને ખાનગી જગ્યામાં તેમણે પોતાના કાચા બાંધકામ કરી અને પોતાનો ધંધો રોજગાર ચલાવી રહ્યા છે. તેઓ કોઈ પણ જાતનું ન્યુસન્સ ઊભું કરતા નથી.
ખાનગી માલિકીની જગ્યામાં હોવા છતાં કોર્પોરેશન તેમની સામે કાર્યવાહી કરી રહ્યું છે. જા કે, દુકાનદારોની રિટ અરજીનો સખત વિરોધ કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર તરફથી મહત્વપૂર્ણ રજૂઆત કરાઇ હતી કે, ખેતલાઆપા ચોકના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી અને ટ્રાફિકની તેમજ ર્પાકિંગની સમસ્યા છે. વાસ્તવમાં, અરજદાર દુકાનદારો ખાનગી મિલકતમાં પણ ગેરકાયદેસર રીતે ધંધો-રોજગાર કરી રહ્યા છે. અરજદારોની દુકાનો અને કાચા-પાકા બાંધકામ એ એક પ્રકારના ગેરકાયદે દબાણ છે અને તેથી નિયમોનુસાર તેની વિરૂધ્ધ કાર્યવાહી કરવી જ પડે. જા તેમ ના કરવામાં આવે તો, સમાજમાં અવળો અને પક્ષપાતનો સંદેશો જાય.
આ સંજાગોમાં અમ્યુકોની કામગીરી અને કાર્યવાહી યોગ્ય અને વાજબી હોઇ હાઇકોર્ટે અરજદાર દુકાનદારોની રિટ અરજી ફગાવી દેવી જાઇએ. હાઇકોર્ટે અમ્યુકોની આ દલીલો ગ્રાહ્ય રાખી સ્થાનિક દુકાનદારોની અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. દુકાનદારોને કોઈપણ રાહત આપવાનો ઈનકાર કરવામાં આવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને લઈને વેપારીઓમાં નારાજગી જાવા મળી હતી. તેમની જુદી જુદી પ્રતિક્રિયાઓ પણ આવી છે.