યુવા સાંસ્કૃતિક અને રમતગમત મંત્રાલય દિલ્હી દ્વારા ૩૧ જાન્યુઆરી-૨૦૧૮થી ૮મી ફેબ્રુઆરી-૨૦૧૮ દરમિયાન નવી દિલ્હી ખાતે પહેલી ખેલો ઇન્ડિયા સ્કુલ ગેઈમ્સ યોજાશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરી, 2018નાં રોજ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રથમ ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે.આ સ્પર્ધામાં ગુજરાતનાં ૧૫૪ રમતવીરો ભાગ લેશે, એમ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતના અંડર-૧૭ એજ ગ્રુપમાં વિવિધ ૧૬ રમતોમાં આ રમતવીરો ભાગ લેશે. જેમાં તીરંદાજી, બેડમિન્ટન, બોક્સિંગ, જિમ્નાસ્ટિક, જુદો તથા શુટિંગ જેવી ૧૬ અલગ અલગ રમતો યોજાશે. પસંદગી પામેલા રમતવીરોને સ્કુલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.
ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સમાં 199 સુવર્ણચંદ્રકો, 199 રજતચંદ્રકો અને 275 કાંસ્યચંદ્રકો એનાયત કરવામાં આવશે. અંડર-17 વયજૂથ હેઠળ દેશનાં પ્રતિભાશાળી ખેલાડીઓ વિવિધ રમતોમાં એકબીજા સાથે સ્પર્ધા કરશે.
ખેલો ઇન્ડિયા એક એવી સર્વગ્રાહી સ્પર્ધા છે જેમાં દેશના ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્ર સાશિત પ્રદેશોના સ્પર્ધકો એકબીજા સાથે સ્પર્ધા કરશે. દેશના યુવાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા અને પ્રતિભા ધરાવતા શ્રેષ્ઠ રમતવીરોણી પ્રતિભાને બહાર લાવવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૬ અલગ અલગ રમતો સાથે ૨૦૦ થી વધુ ઈવેન્ટ્સનો સમાવેશ કરતી સ્પર્ધા બની રહેશે.
ખેલો ઇન્ડિયા કાર્યક્રમ ભારતમાં પાયાનાં સ્તરે રમતગમતને પુનઃ પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં આપણાં દેશમાં તમામ રમત માટે મજબૂત માળખું ઊભું કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતને રમતગમતનાં ક્ષેત્રમાં મજબૂત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝનને ધ્યાનમાં રાખીને ખેલો ઇન્ડિયા વિવિધ શ્રેણીઓમાં શાળાઓમાંથી યુવા પ્રતિભાઓને શોધવામાં મદદ કરશે અને ભવિષ્યમાં રમતવીર તરીકે તેમને વિકસાવવામાં સહાયભૂત થશે એવી અપેક્ષા છે.
આ સ્પર્ધામાં ગુજરાતની ટીમને જ્વલંત વિજય અપાવવાના મિશન સાથે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત (SAG)નાં સચિવ ડી.ડી.કાપડિયાને મિશનના વડા અને આસિસ્ટન્ટ ડીરેક્ટર જનરલ શૈલેશ પંડ્યાને મિશનનાં નાયબ વડા નિયુક્ત કરવામાં આવ્યા છે. રમતગમત,યુવા અને સંસ્કૃતિક બાબતોના મંત્રી ઈશ્વરભાઈ ટી. પટેલ અને સચિવ વી.પી.પટેલના માર્ગદર્શન હેઠળ તમામ ૧૫૪ રમતવીરો રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ ભજવવા તૈયારી કરી રહ્યા છે. ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગુજરાત તરફથી મિત્તલ ચોધરી, શ્રદ્ધા કથીરિયા, વાગ્મિતા રાજબલાઈ, મિત્તલ બારિયા, યુતિ ગજ્જર, અનિરુદ્ધસિંહ કુશવાહા, શેખ મોહમ્મદ મોમીન, સિદ્ધિ પટેલ, મુસ્કાન કાચોલીયા, સંસ્કૃતિ ભાલરા, ડોલ્ફી સારંગ, હેમરાજ પાટીલ, નીતાયી શાહ, શિવમ જેથુડી, સિલ્કી નાગ્પુરે જેવા જાણીતા મેડલ ચંદ્રક વિજેતાઓ સ્પર્ધામાં ભાગ લેશે. ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા પસંદગી પામેલા પ્રતિભાવાન રમતવીરોને આઠ વર્ષ સુધી વાર્ષિક રૂ.૫ લાખની નાણાકીય સહાયતા આપવામાં આવશે.