નવી દિલ્હી : ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ભારતીય ટીમે આજે તેના અભિયાનની શરૂઆત કરી હતી. ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત કરે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટીમ ઈન્ડિયાને સંદેશ મોકલ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે દેશના કરોડો ચાહકોની જેમ જ મોદી પણ જીત માટે આશા રાખી રહ્યા છે. મોદીએ ખેલ ભી જીતો, દિલ ભી જીતોનો સંદેશ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આપ્યો છે. ટીમને શુભકામના આપતા મોદીએ ખેલની સાથે સાથે રમતની ભાવનાને પણ જીતવા ક્રિકેટરોને અપીલ કરી છે. મોદીએ લખ્યુ છે કે, ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની શરૂઆત કરે છે ત્યારે સમગ્ર ટીમને તેઓ શુભેચ્છા પાઠવે છે.
આશા છે કે, આ ટુર્નામેન્ટ સારા ક્રિકેટ અને ખેલ ભાવનાના દાખલાને રજુ કરશે. મોદીએ ખેલની સાથે સાથે દિલ પણ જીતવા ટીમ ને અપીલ કરી છે. ભારતીય ટીમ તેમની પ્રથમ મેચ આજે આફ્રિકા સામે રમ્યા બાદ તેમની બીજી મેચ ૯મી જુનના દિવસે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ત્યાર બાદ ૧૩મી જુનના દિવસે ન્યુઝીલેન્ડની સામે અને ૧૬મી જુનના દિવસે પાકિસ્તાન સામે ભારતીય ટીમ રમશે. પાંચમી મેચ ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ૨૨મી જુનના દિવસે રમશે. ભારત તેની ૬ઠ્ઠી મેચ ૨૭મી જુનના દિવસે રમશે.
બીજી જુલાઈના દિવસે બાગ્લાદેશની સામે અને ૬ઠ્ઠી જુલાઈના દિવસે શ્રીલંકા સામે ભારતીય ટીમ રમશે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમને વર્લ્ડ કપ માટે ફેવરીટ રહેલી ટીમો પૈકી એક તરકી ગણવામાં આવે છે. ટીમ ઈન્ડિયાની મેચોની લઈને કરોડો ચાહકો ઉત્સુક બન્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતીય ટીમ માટે અપેક્ષા રાખી રહ્યા છે.