વિશ્વનો સૌથી અનોખું ગામ, અહીં થાય છે સૌથી વધુ જોડિયા બાળકોનો જન્મ, વૈજ્ઞાનિકો પણ ગોથે ચડ્યાં

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : ભારત ઘણા અનોખા ગામ આવેલા છે. જેના વિશે જાણીને તમે પણ નવાઈમાં પડી જશો. જોકે, કેરળનું કોડિન્હી ગામ અલગ તરી આવે છે. આ ગામની અનોખી ખાસિયત એ છે કે, અહીં વિશ્વમાં સૌથી વધુ જોડિયા બાળકોનો જન્મ થાય છે. આ જ કારણ છે કે તેને જુડવા બાળકોનું ગામ પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો પણ આ ઘટના પાછળનું રહસ્ય ઉકેલી શક્યા નથી.

કેરળના મલપ્પુરમ જિલ્લામાં આવેલા 2,000 લોકોની વસ્તી ધરાવતું એક નાનું ગામ કોડિન્હીમાં જુડવા બાળકોના જન્મનો દર અસામાન્ય રીતે ઊંચો છે. આ ગામના લગભગ દરેક ઘરમાં ઓછામાં ઓછા એક જોડિયા બાળકો હોય છે, છેને નવાઈ પમાડે એવી વાત. જ્યારે ભારતમાં સરેરાશ જન્મ દર 1,000 જન્મ દીઠ 8 થી 9 જુડવા બાળકોનો છે, ત્યારે કોડિન્હીમાં, આ સરેરાશ વધીને 42 થી 45 થાય છે.

ઘણા વૈજ્ઞાનિકોએ આ ગામનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેઓ હજુ સુધી સાચું કારણ શોધી શક્યા નથી. કેટલાક સિદ્ધાંતો સૂચવે છે કે ખોરાક, પાણી અથવા આનુવંશિકતા જેવા પરિબળો જુડવા જન્મના ઊંચા દરમાં ફાળો આપી શકે છે. જો કે, આ સિદ્ધાંતોને સમર્થન આપવા માટે હજુ સુધી કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી.

2008 માં આ ગામમાં આશરે 280 જુડવા બાળકો હતા. આમાંથી ઘણા બાળકો 15 વર્ષથી ઓછી ઉંમરના હતા. તે સમયે 80 જુડવા બાળકો ગામની શાળામાં ભણતા હતા. સ્થાનિક લોકો કહે છે કે છેલ્લા 60-70 વર્ષોમાં જુડવા બાળકોના જન્મની સંખ્યા સતત વધી રહી છે.

તેના રહેવાસીઓ માટે આ ગર્વ અને માન્યતાનું પ્રતીક છે. આ અનોખા ગામ વિશે વિશ્વભરમાં દસ્તાવેજી ફિલ્મો, વૈજ્ઞાનિક લેખો અને મીડિયા અહેવાલો પ્રકાશિત થયા છે. તે વૈજ્ઞાનિકોને આકર્ષે છે અને લોકોને આ ઘટના કેવી રીતે બની તે વિશે વધુ જાણવા માટે પ્રેરણા આપે છે.

Share This Article