થિરુવંતનપુરમ: કેરળના જુદા જુદા વિસ્તારોમાં આજે સવારથી ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાના જુદા જુદા બનાવોમાં ૨૫થી વધુ લોકોના મોત થઇ ગયા છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. સુત્રોએ કહ્યું છે કે, ઇડુક્કીમાં ભેખડો ધસી પડવાના બનાવોમાં ૧૦ લોકોના, મલપ્પુરમમાં પાંચ, કન્નુરમાં બે, વાયનાડ જિલ્લામાં એકનું મોત થયું છે.
વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં એક એક વ્યક્તિ લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે. ઇડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. કાટમાળ હેઠળથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ખુબ વધી જતાં જુદા જુદા દરવાજા ખોલવા પડ્યા હતા. આજે સવારે ૬૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના લીધે પાણીની સપાટી ૧૬૯.૯૫ મીટર સુધી પહોંચી ગઈ હતી. ઇડુક્કી બંધમાં આજે આઠ વાગે પાણીની સપાટી ૨૩૯૮ ફૂટ હતી જે જળાશયના પૂર્ણ સ્તર કરતા ૫૦ ફૂટ વધારે છે. મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું છે કે, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ માંગવામાં આવી છે. એનડીઆરએફની ત્રણ ટીમો પહેલાથી જ પહોંચી ચુકી છે. બે ટીમો હવે પહોંચનાર છે. છ ટીમોને કોલ કરવામાં આવ્યા છે. નહેરુ ટ્રોફી બોટ સ્પર્ધાને રદ કરવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અહીં ટ્રેકને વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન સેવાને માઠી અસર થઇ છે.વહીવટીતંત્રને ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. એર્નાકુલમના પથાલમ સ્થિતિ નિચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસી ગયા છે. મોટરબોટની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. બીજી બાજુ કોચીન આંતરરાષ્ટ્રીય વિમાની મથકે પણ સેવાને અસર થઇ છે.પેરિયાર નદીમાં પાણીની સપાટીને ધ્યાનમાં લઇને વિમાની મથકના ક્ષેત્રમાં સેવા રોકી દેવામાં આવી છે. અહીં વિમાનોનું ઉતરાણ રોકી દેવામાં આવ્યું છે.