કેન્યામાં ભંયકર દુકાળ પછી અનેક દિવસો સુધી ભારે વરસાદ પડતાં કુલ ૧૭૦ જણા કાદવ અને પૂરમાં મૃત્ય પામ્યા હતા. માર્યા ગયેલાઓમાં ૨૦ બાળકો હતા. તો બીજી તરફ કેન્યામાં આવેલો એક બંધ ફાટતા ઓછામાં ઓછા ૪૧ લોકો તણાઇ ગયા હતા જેમાં મોટા ભાગના તો ઉંઘમાં જ તણાઇને જ મૃત્ય પામ્યા હતા.
નાકુરૃ જિલ્લામાં રિફ્ટ વેલી પાસે સોલાઇ સ્થિત સિંચાઇ અને માછીમારી માટેનો ખાનગી પટેલ બંધ બુધવારે રાત્રે ફાટયો હતો, એમ ક્ષેત્રિય વડા એ કહ્યું હતું. શોધ અને બચાવ કામગીરી ચાલુ જ છે અને હજુ મૃત્યદેહ મળશે એવું લાગે છે. અત્યાર સુધી ૩૨ મૃત્યદેહ મળ્યા છે અને કેટલાક તો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા એમ તેમણે કહ્યું હતું.
ઘટના સ્થળે હાજર એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તુટી પડેલા ઘરોમાં ફસાઇ ગયેલા લોકોને બહાર કાઢવા માટે ઇમર્જન્સી કામદારો આખી રાત કામગીરીમાં રોકાયા હતા.