મારામારી કેસમાં ચાર્જશીટમાં કેજરીવાલ સહિત ૧૩ના નામ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હીઃ દિલ્હીના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે મારમારીના મામલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. મારામારી અને ખરાબ વર્તનના આ કેસમાં ૧૩ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને ૧૧ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

દિલ્હી પોલીસે પટિયાલા હાઉસકોર્ટ નંબર ૧૬માં આ મામલામાં સીલ કવરમાં ૧૫૩૩ પેજની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ કેસમાં કેજરીવાલના તત્કાલિન એડવાઈઝર વીકે જૈનને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, તેમના કહેવા મુજબ જ્યારે અંશુ પ્રકાશ સાથે મારામારી કરવામાં આવી હતી ત્યારે તેમના ચશ્મા નીચે પડી ગયા હતા.

મુખ્યમંત્રી આવાસ ઉપર અડધી રાત્રે બોલાવવામાં આવેલી બેઠક અને મારામારીના મામલામાં તપાસમાં સીસીટીવી કેમેરા પણ ખુબ જ પાછળ હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે નોંધનીય છે કે, આ મામલો ૧૯મી ફેબ્રુઆરીના દિવસે બન્યો હતો તે વખતે મુખ્યમંત્રી આવાસ પર અડધી રાત્રે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારામારી અને ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. આ મામલામાં બે દિવસ બાદ સિવિલ લાઈન પોલીસના વીકે જૈનની પુછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં કેટલીક બાબતો સ્પષ્ટ થઇ ન હતી, પરંતુ મોડેથી મેજિસ્ટ્રેટની સમક્ષ બંધ કમરામાં પુછપરછ બાદ સમગ્ર વિગત સપાટી ઉપર આવી હતી. પોલીસે ત્યારબાદ તેમને સાક્ષી બનાવવાનો નિર્ણય કર્યો હતો. ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્યોની મુશ્કેલી વધી રહી છે.

આ કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલ સહિત ૧૩  લોકોને આરોપી બનાવવામાં આવતા રાજકીય રીતે પણ ખળભળાટ મચી ગયો હતો. કેજરીવાલની પ્રતિષ્ઠાને પણ આના લીધે ફટકો પડ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટીને આ મુદ્દે કેજરીવાલને ભીંસમાં લેવાની તક મળશે.

Share This Article