દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી સરકાર એક્શનમાં આવી, આરોગ્ય મંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી સરકાર એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિર્દેશ પર આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. લાંબા સમય બાદ દિલ્હીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે કોરોનાથી ૨ લોકોના મોત થયા હતા જ્યારે ૩૦૦ લોકો સંક્રમિત થયા હતા. દિલ્હીમાં સંક્રમણનો દર વધીને ૧૩.૮૯ થઈ ગયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે કોરોનાના ૧૬૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

દિલ્હીમાં હાલમાં કોરોનાના ૫૦૬ એક્ટિવ કેસ છે. તેમાંથી ૪૫૨ હોમ આઈસોલેશન અને ૫૪ લોકો હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં દાખલ તમામ ૫૪ દર્દીઓમાંથી ૧૭ આઈસીયુમાં છે. ૨૧ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે અને ૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે કોરોનાના વધતા કેસ ને ધ્યાનમાં રાખી રાજધાનીની હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખી છે. કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલોમાં અલગથી વોર્ડ રિઝર્વ કરવામાં આવ્યા છે. આ સાથે જ ICU બેડ, વેન્ટિલેટર સહિત ઓક્સિજનની સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે પ્લાન્ટની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે.

Share This Article