શ્રીનગર: જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં સુરક્ષા દળોની કાર્યવાહીના કારણે હચમચી ઉઠેલા ત્રાસવાદીઓ હવે પોલીસ જવાનોના પરિવારના સભ્યોને ટાર્ગેટ બનાવવા લાગી ગયા છે.છેલ્લા બે દિવસની અંદર વણઓળખાયેલા ત્રાસવાદીઓ દ્વારા કાશ્મીર ખીણના જુદા જુદા ભાગોમાંથી સાત લોકોના અપહરણ કરી લીધા છે. જો કે જમ્મુ કાશ્મીર પોલીસના આઇજી દ્વારા આ અહેવાલને હજુ સુધી સમર્થન આપ્યુ નથી. તેમણે કહ્યુ છે કે પોલીસ હાલમાં તથ્યોમાં તપાસ કરી રહી છે. અપહરણ કરવામાં આવેલા લોકો જુદા જુદા પોલીસ કર્મીઓના સંબંધી હોવાની વિગત સપાટી પર આવી છે.
ખતરનાક અને ચિંતાજનક બાબત એ છે કે કાશ્મીર ખીણમાં આ પહેલા તમામ અપહરણ કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓની હત્યા કરી દેવામાં આવી હતી. હવે ત્રાસવાદીઓ પોલીસ જવાનોના પરિવારના સભ્યોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. બુધવારના દિવસે જ પુલવામાં જિલ્લામાં ત્રાલ ખાતેથી ત્રાસવાદીઓએ પોલીસ જવાન રફીક અહેમદના પુત્ર આસિફ અહેમદનુ અપહરણ કરી લીધુ હતુ. પોલીસ કર્મચારીઓના પરિવારના સભ્યોનુ અપહરણ કરવામાં આવ્યા બાદ સેના દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. રાજ્યમાં ત્રાસવાદીઓ હાલમાં જારદાર રીતે સક્રિય થઇ ગયા છે.
છેલ્લે જમ્મુ કાશ્મીરના સોપિયન જિલ્લામાં અરહામા ગામમાં પોલીસ ટીમ ઉપર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં ચાર પોલીસ જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓ સુરક્ષા દળો પાસેથી હથિયાર આંચકીને ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્રાસવાદીની કમર તુટી ગઈ હોવા છતાં સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં અગાઉ રવિવારે ૨૬મી ઓગષ્ટના દિવસે મોટી સફળતા હાથ લાગી હતી. એ વખતે જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લાના હેન્ડવારા વિસ્તારમાં સવારે અથડામણ બાદ ચાર ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ઝડપાયેલા તમામ ત્રાસવાદીઓ નવા આતંકવાદી સંગઠનમાં હાલમાં જ ભરતી થયા હતા અને એલઓસી પાર કરીને પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યા હતા.જમ્મુ કાશ્મીરમાં વધુ એક ત્રાસવાદી ગઇકાલે ગુરૂવારના દિવસે સવારે ઠાર કરવામાં આવ્યો હતો. બાંદીપોરા વિસ્તારમાં આ અથડામણ થઇ હતી. ત્રાસવાદીઓ હવે રણનિતી બદલીને આગળ વધી રહ્યા છે. ત્રાસવાદીઓ સામે લડવાના બદલે પોલીસ જવાનો અને સુરક્ષા જવાનોના પરિવારના સભ્યોનુ અપહરણ કરી રહ્યા છે. ત્રાસવાદીઓ સોફ્ટ ટાર્ગેટને ધ્યાનમાં લઇને હુમલા કરી રહ્યા છે.
બીજી બાજુ હવે પોલીસ જવાનોને વધારે સાવધાની રાખવાની જરૂર છે. સ્થાનિક લોકોની મદદ ધરાવતા સ્થાનિક ત્રાસવાદીઓને શોધી કાઢવાની બાબત બિલકુલ સરળ નથી. બીજી બાજુ ઓપરેશન વેળા સ્થાનિક લોકો સુરક્ષા દળોની કાર્યવાહીને રોકવાના પ્રયાસ પણ કરે છે. જેથી અનેક અડચણો આવી રહી છે.