કાશ્મીર : વધુ બે ત્રાસવાદી ઠાર કરી દેવાયા, શસ્ત્રો જપ્ત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : જમ્મુકાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે આજે સવારે ભીષણ અથડામણ થઇ હતી. આ અથડામણમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. માર્યા  ગયેલા ત્રાસવાદીઓ પાસેથી હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓ સામે જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન વધારે તીવ્ર કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા ૭૨ કલાકમાં નવ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામા ંજ ત્રીજી અથડામણ થઇ છે. ગઇકાલે એક ત્રાસવાદી રમીઝને જીવિતો પકડી લેવામાં આવ્યો હતો.જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાનો દોર જારી રહ્યો છ.

છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. કાશ્મીરના જુદા જુદા ભાગોમાં હજુ પણ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ ઠાર થયેલા છે. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે હજુ માત્ર ત્રણ મહિનાના ગાળામાં જ ૬૦થી વધારે કુખ્યાત ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી હજુ પણ  જારી છે. અગાઉના વર્ષોની તુલનામાં આ વર્ષે ત્રાસવાદીઓ સામે વધારે આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને પુલવામા સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ત્રાસવાદ સામે લડાઇ વધારે તીવ્ર બનાવી દેવામાં આવી છે.

વર્ષ ૨૦૧૮માં  ૨૬૦થી વધારે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા.  જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામે અભૂતપૂર્વ સફળતા હાંસલ થઇ રહી છે. એકપછી એક ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે. તેમની કમર તુટી ગઇ છે.   સત્તાવાર આંકડા મુજબ ૧૭૦થી વધુ  ત્રાસવાદીઓનો ખાતમો વર્ષ ૨૦૧૭માં કરવામાં આવ્યો હતો .જ્યારે ૨૦૧૬માં આ ગાળા સુધી ૯૨ ત્રાસવાદીઓનો ખાત્મો થયો હતો.

જુલાઈ ૨૦૧૭માં ૨૨ ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો.  ૨૦૧૨-૧૩માં ક્રમશઃ જમ્મુ કાશ્મીરમાં ૭૨ અને ૬૭ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ આંકડો પહેલી સપ્ટેમ્બર સુધીનો દર્શાવવામાં આવ્યો હતો.

Share This Article