શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં રવિવારના દિવસે આતંકવાદીઓએ એક પછી એક ત્રણ હુમલાઓ કર્યા હતા. સોપિયન વિસ્તારમાં સેનાની પેટ્રોલિંગ ટીમ ઉપર ગોળીબાર પણ કર્યો હતો. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સીઆઈડી અધિકારી ઇÂમ્તયાઝ અહેમદની ક્રૂર હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. આતંકવાદીઓએ શ્રીનગરમાં પીડીપીના એક નેતાની પણ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સોપિયન, પુલવામા અને શ્રીનગરમાં થયેલી ત્રણ ત્રાસવાદી ઘટનાઓ બાદ કાશ્મીર ખીણમાં હાઈએલર્ટ જાહેર કરીને મોટાપાયે તપાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ત્રાસવાદીઓએ સોપિયન જિલ્લામાં સાંજે ચાર વાગ્યાની આસપાસ સેનાની ૩૪ રાષ્ટ્રીય રાયફલની પેટ્રોલિંગ ટીમ ઉપર હુમલો કરી દીધો હતો. જે વખતે ત્રાસવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો તે વખતે સેનાનો કાફલો પોટરવાલ ગામથી પસાર થઇ રહ્યો હતો. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી પરંતુ આતંકવાદીઓ ફરાર થઇ ગયા હતા. સોપિયાના હુમલા ઉપરાંત ત્રાસવાદીઓએ શ્રીનગરના હેદરપોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીડીપીના સ્થાનિક નેતા મોહમ્મદ અમીનદારની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
આ હુમલા બાદ ગંભીરરીતે ઘાયલ થયેલા પીડીપી નેતાને શેરે કાશ્મીર ઇન્સ્ટીટ્યુટમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઇÂમ્તયાઝ અહેમદની હત્યાથી ભારે ખળભળાટ મચી ગયો છે. કાશ્મીર ખીણમાં ત્રણ હુમલા બાદ સુરક્ષા સંસ્થાઓએ દક્ષિણ કાશ્મીરના તમામ જિલ્લામાં હાઈએલર્ટની જાહેરાત કરી દીધી છે. પુલવામા અને સોપિયન જિલ્લામાં વ્યાપક શોધખોળ કામગીરી ચાલી રહી છે. આજે ત્રાસવાદીઓએ સીઆઈડીના અધિકારીની હત્યા કરી હતી. તેમનો મૃતદેહ વાહીબાગ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં હાલ ત્રાસવાદીઓ વધુને વધુ સક્રિય થઇ રહ્યા છે.