શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઘુસણખોરીના પ્રયાસો પાકિસ્તાની ત્રાસવાદીઓએ વધારી દીધા છે જે સંકેત આપે છે કે, આગામી દિવસોમાં મોટા ત્રાસવાદી હુમલા થઇ શકે છે. પુલવામા ખાતે આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શદી થયા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરી હતી. પોકમાં ત્રાસવાદી કેમ્પો ફુંકી મારવામાં આવ્યા હતા. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ તંગ બનેલા છે. જેથી ઘુસણખોરી પણ વધી રહી છે.
હાલમાં ઘુષણખોરીના પ્રયાસમાં મોટી સંખ્યામાં ત્રાસવાદી ફુંકાયા છે. સેના અને સુરક્ષા દળો દ્વારા ખુબ આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. જેના કારણે ત્રાસવાદીઓને સફળતા મળી રહી નથી.સંરક્ષણ પ્રવક્તાનું કહેવું છે કે, આ વર્ષે ઘુસણખોરીના ૨૮ પ્રયાસોને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. ત્રાસવાદીઓ સતત હુમલા કરવાના ઇરાદા સાથે ઘુસણખોરી કરી રહ્યા છે. સેનાના અધિકારીઓના કહેવા મુજબ પાકિસ્તાની સેના યુદ્ધ વિરામનો ભંગ કરીને હજુ પણ ગોળીબાર કરી શકે છે. આનો મુખ્ય ઇરાદો અંકુશરેખા મારફતે આતંકવાદીઓને ઘુસાડવાનો રહ્યો છે.
કાશ્મીરમાં જ નહીં બલ્કે દેશના અન્ય ભાગોમાં પણ હુમલા કરવાની યોજના ત્રાસવાદીઓ બનાવી રહ્યા છે. આજ કારણસર ઘુસણખોરીના પ્રયાસો વધારી દેવાયા છે. સંરક્ષણ નિષ્ણાતોના કહેવા મુજબ બરફ ઓગળવાની શરૂઆત થયા બાદ ઘુસણખોરીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ શકે છે. ૭૪૦ કિલોમીટર લાંબા એલઓસી પટ્ટા ઉપર સ્થિતિ હમેશા તંગ રહે છે. જમ્મુકાશ્મીરમાં ભારતીય સેનાએ ઓપરેશન ઓલઆઉટ હાલમાં જારી રાખ્યુ છે.