બડગામ : જમ્મુ કાશ્મીરના બડગામમાં ભારતીય હવાઇ દળનુ વિમાન તુટી પડ્યા બાદ ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. હાલમાં ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટના થઇ હોવાના હેવાલ મળી રહ્યા છે. જો કે બે પાયલોટના પણ મોત થયા છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પહેલા પણ દુર્ઘટના થતી રહી છે. જો કે આ વિમાન દુર્ઘટનાને લઇને કોઇ ખાસ વિગત આપવામાં આવી નથી. પાકિસ્તાન દ્વારા દાવો કરવામાં આવ્યા બાદ ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. મંગળવારના દિવસે હવાઇ હુમલો કરવામાં આવ્યા બાદ દેશના જુદા જુદા ભાગોમાં હાઇ એલર્ટ પર છે. આવી સ્થિતીમાં આ ઘટનાને લઇને હજુ સુધી કોઇ ખુલાસો કરવામા આવ્યો નથી.
જાણકાર લોકોનુ કહેવુ છે કે બડગામની પાસે વિમાનમાં બ્લાસ્ટ થયો હતો. ક્રેશ થવાના કારણે વિમાન તુટી પડ્યુ હતુ. દુર્ઘટના બાદ આગ ફાટી નિકળી હતી. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોનો બદલો લઇને હવાઈ દળે ગઇકાલે વહેલી પરોઢે સરહદ પાર કરીને આતંકવાદી અડ્ડાઓને ફુંકી માર્યા હતા. હવાઈ દળે જૈશે મોહમ્મદના સ્થળો ઉપર મોટાપાયે ત્રાટકીને તેમને નષ્ટ કર્યા હતા. માત્ર એલઓસી પાર કરીને નહીં બલ્કે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને પાર કરીને પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડાઓ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. ભારતીય હવાઈ દળના વિમાનો પાકિસ્તાનમાં ૮૦ કિલોમીટર સુધી અંદર ઘુસ્યા હતા. હવાઈ દળે પાંચ દશકમાં પ્રથમ વખત આતંકવાદી કેમ્પો પર પોકમાં ઘુસી જઈને કાર્યવાહી કરી છે. ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતે એરસ્ટ્રાઇક મારફતે પાકિસ્તાનને ધુળ ચટાવી હતી હવે ફરી એકવાર આતંકવાદીઓને બોધપાઠ ભણાવી દેવામાં આવ્યો છે.