શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના હજરતબાલમાં ત્રણ ખતરનાક ત્રાસવાદી સંગઠનોની બેઠક યોજાઇ છે. આ બેઠક આશરે ૪૭ કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ સુરક્ષા સંસ્થાઓ સાવધાન થઇ ગઇ છે. જાણવા મળેલી માહિતી મુજબ બેઠકમાં હિજબુલ મુજાહીદ્દીન, લશ્કરે તોયબા, જેશના ત્રાસવાદીઓ હાજર રહ્યા હતા. આ બેઠક મંગળવારના દિવસે યોજાઇ હોવાનુ જાણવા મળ્યુ છે. બેઠક બાદ સુરક્ષા દળો પર પણ પ્રશ્નો થઇ રહ્યા છે. એક પત્રમાં હિઝબુલ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તેના ૧૬ કમાન્ડરો આ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. હિજબુલનુ કહેવુ છે કે તે ટુંક સમયમાં જ હજરતબાલ શ્રાઇનમાં યોજાયેલી બેઠક અંગે વિડિયો જારી કરશે. આ બેઠકમાં હાજર રહેલા હિજબુલના કમાન્ડર ઉમર એલિયાસનો ફોટો પણ જારી કરવામાં આવ્યો છે. સુરક્ષા સંસ્થાઓ આ ફોટોને બોગસ ગણાવી રહી છે.
ભારતીય સુરક્ષા દળોનો સામનો કઇ રીતે કરવામાં આવે તે પાસા પર બેઠકમાં ચર્ચા થઇ હતી. તોયબાના ચાર ત્રાસવાદીઓ તેમાં હાજર રહ્યા હતા. હિજબુલના વેલી ઓપરેશન કમાન્ડર રિયાજ નાયકુએ બેઠકનુ નેતૃત્વ કર્યુ હતુ. સેફુલ્લાહ પણ બેઠકમાં હાજર રહ્યો હતો. ઉમર એલિયાસનો ફોટો ગુરૂવારે જારી કરવામાં આવ્યો હતો. જેમાં તે શ્રીનગરના ઘંટાઘરની સામે નજરે પડી રહ્યો છે.