નવી દિલ્હી : જમ્મુકાશ્મીરમાંથી જટિલ કલમ ૩૭૦ દુર કરી દેવામા આવી છે. આ અંગેની વાત આજે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી જોરદાર રાજકીય ઉત્તેજના અને હલચલ વચ્ચે કલમ ૩૭૦ને દુર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કલમ ૩૭૦ દુર કરવામાં આવી તે પહેલા મોટા ઘટનાક્રમનો દોર જારી રહ્યો હતો. જે નીચે મુજબ છે.
મોટા નેતા નજર કેદ કરાયા
જમ્મુ કાશ્મીરમાં અભૂતપૂર્વ સુરક્ષા અને જોરદાર રાજકીય હલચલના દોર વચ્ચે અડધી રાત બાદ જમ્મુ કાશ્મીરના કેટલાક મુખ્ય રાજકીય પક્ષોના મોટા નેતાઓને નજર કેદમાં લઇ લેવામાં આવ્યા હતા. જેથી સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો હતો. સસ્પેન્સ વધારે તીવ્ર બનતા લોકોમાં પણ હલચલ વધી ગઇ હતી. પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તિ અને ઉમર અબ્દુલ્લાને પણ અડધી રાત બાદ નજર કેદમાં લઇ લેવામા આવ્યા હતા. પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોનને પણ નજર કેદમાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસી નેતા ઉસ્માન માજિદ અને સીપીએમ નેતા તારિગામીને પણ પકડી લેવામા આવ્યા હોવાના હેવાલ મળ્ય છે.
જમ્મુ કાશ્મીરમાં કલમ ૧૪૪ લાગુ કરાઇ
જમ્મુ કાશ્મીરમાં જોરદાર રાજકીય હલચલ વચ્ચે આજે સવારે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. રાજ્યને લઇને કોઇ મોટા નિર્ણયની વચ્ચે સવારે છ વાગ્યાથી કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી હતી. જમ્મુ જિલ્લાના અધિકારી સુષ્મા ચૌહાણે કહ્યુ હતુ કે પાંચમી ઓગષ્ટના દિવસે સવારે છ વાગ્યાથી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. નવા આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી આ કલમ અમલી રહેશે. કલમ ૧૪૪ અમલી કરવાનો અર્થ એ થયો કે હવે જમ્મુકાશ્મીરમાં કોઇ પણ જગ્યાએ ચાર કરતા વધારે વ્યક્તિ એકત્રિત થઇ શકશે નહીં. જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ગાળા દરમિયાન કોઇ પણ રેલી, ધાર્મિક કાર્યક્રમની મંજુરી આપવામાં આવનાર નથી.કલમ ૧૪૪ લાગુ કરવામાં આવ્યા બાદ જોરદાર હલચલ જોવા મળી રહી હતી. કલમ ૧૪૪ લાગુ કરવામાં આવ્યા બાદ તમામ જગ્યાએ મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા.
સ્કુલ અને કોલેજોમાં રજા
તમામ સ્કુલ અને કોલેજને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં મોબાઇલ અને ઇન્ટરનેટ આંશિક રીતે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી નવા આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી સ્કુલો અને કોલેજા બંધ રહેશે
કેન્દ્રિય કેબિનેટની બેઠક એકાએક થઇ
સામાન્ય રીતે બુધવારના દિવસે યોજાતી બેઠક આજે સવારે થઇ હતી. સવારે ૯-૩૦ વાગે આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક આશરે ૪૦ મિનિટ સુધી ચાલી હતી. જેમાં ઉભી થયેલી તમામ સ્થિતી પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગઇકાલે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારના દિવસે એનએસએ અજિત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ ગૌબા, આઇબી ચીફ અરવિન્દ કુમારઅને રો વડા સમંત ગોયલની સાથે બેઠક યોજી હતી. સાથે સાથે ગૃહ મંત્રાલયમાં કાશ્મીર મામલાના વધારાના સચિવ જ્ઞાનેશ કુમાર સાથે પણ બેઠક કરી હતી.
અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓ માટે એડવાઇઝરી
અમરનાથ યાત્રા પર હુમલો થઇ શકે છે તેવા હેવાલ બાદ અમરનાથ યાત્રા ટુંકાવી દેવામાં આવી હતી. તમામ શ્રદ્ધાળુઓને વહેલી તકે પરત ફરવા માટે કહેવામાં આવ્યુ હતુ. કાશ્મીરમાં રહેલા બહારના લોકોને પરત બોલાવી લેવામાં આવ્યા હતા.
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દુર કરાઇ
બેઠકોના દોર વચ્ચે આખરે કલમ ૩૭૦ને દુર કરવાનો આજે નિર્ણય કરવામાં આવ્યો હતો. આના કારણે અસંખ્ય લાભ થનાર છે. જે ચાર નિર્ણય આજે લેવામાં આવ્યા હતા જેના ભાગરૂપે જમ્મુ કાશ્મીર અને લડાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. જ્યારે કલમ ૩૭૦ને દુર કરી દેવામાં આવી છે.