Vijay Karur Rally Stampede: તમિલનાડુના કરૂરમાં અભિનેતા-રાજનેતા વિજયની ચૂંટણી રેલી દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 39 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને ઘણા લોકો ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા ચિંતાજનક ગણાવી છે.
આ દુર્ઘટનામાં મરનારની સંખ્યા 39 થઈ ગઈ છે. મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. દુર્ઘટનામાં ઘણાં લોકો ઘાયલ પણ થયા છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મોડી રાત કરૂર પહોંચીને નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારની મુલાકાત લીધી અને મેડિકલ કોલેજમાં ભરતી થયેલા ઘાયલોની પણ મુલાકાત કરી.
સ્ટાલિને કહ્યું, અમારા રાજ્યના ઇતિહાસમાં કોઈ રાજકીય પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકોનો જીવ ક્યારેય ગયો નથી અને ભવિષ્યમાં પણ આવી દુર્ઘટના ક્યારેય થવી જોઈએ નહીં. હાલમાં 51 લોકોની ICUમાં સારવાર ચાલી રહી છે. હું ભારે મનથી એ લોકોને શ્રદ્ધાંજલી આપુ છું, જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
નાસભાગ બાદ પોલીસે પણ ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કર્યો. પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું અને મેડિલક ટીમો તહેનાત કરવામાં આવી. ઘાયલોને તરત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.
તમિલનાડુ સરકારે સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને 1-1 લાખ રૂપિયા આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સહિત તમામ નેતાઓએ નાસભાગ પર દુઃખ વ્યક્ત કર્યું છે.
સાઉથના સુપર સ્ટાર અને તમિલગા વેટ્રી કજગમના પ્રમુખ થલપતિ વિજય સૌથી અમીર અભિનેતાઓની યાદીમાં સામેલ છે. તેની સંપત્તિ અને કમાણીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ફોર્ચ્યૂન ઇન્ડિયાના ગત વર્ષના આઈટી રિપોર્ટ અનુસાર, દેશમાં FY24માં સૌથી વધુ એડવાન્સ ટેક્સ ભરનાર સેલિબ્રિટીઝની યાદીમાં બોલીવુડના શાહરુખ ખાન પછી વિજય બીજા નંબરે હતા.