ચેન્નાઇઃ ડીએમકેના વડા એમ કરૂણાનિધીના અવસાન બાદથી જ પરિવારમાં ભાઇ ભાઇની વચ્ચે સત્તા સંઘર્ષની શરૂઆત થઇ ગઇ છે. સોમવારના દિવસે આજે કરૂણાનિધીના સમાધિ સ્થળ પર પહોંચ્યા બાદ તેમના પુત્ર એમ. કે. અલાગીરીએ દાવો કર્યો હતો કે પૂર્ણ અસલી ડીએમકે કેડર તેમની સાથે છે.
અત્રે નોંધનીય છે કે થોડાક વર્ષ પહેલા જ અલાગીરીને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા, ત્યારબાદથી તેઓ પાર્ટી પોલિટિક્સથી દુર હતા. એક વર્ષ પહેલા જ તેમના નાના ભાઇ અને કરૂઁણાનિધીના બીજા પુત્ર સ્ટાલિનને પાર્ટીના કારોબારી અધ્યક્ષ તરીકે બનાવી દેવામાં આવ્યા હતા. હવે પિતાના અવસાનના એક સપ્તાહ બાદ અલાગીરીએ પાર્ટી પર પોતાની દાવેદારી મજબુત કરી દીધી છે.
અલાગીરીએ કહ્યુ છે કે તેઓ કરૂણાનિધીના અસલી રાજકીય વિરાસત તરીકે છે. તેઓએ સ્ટાલિનને કારોબારી પ્રમુખ બનાવવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. એવી સ્થિતીમાં માનવામાં આવે છે કે સત્તામાં સંઘર્ષ વધી શકે છે. આ તમામ બાબતો એવા સમય પર થઇ રહી છે જ્યારે મંગળવારના દિવસે ડીએમકેની એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવેલા ડીએમકે નેતા અલાગીરીને પાર્ટીમાં ફરી સામેલ કરવાની માંગ વધારે તીવ્ર બની ગઇ છે.
પાર્ટીના લોકો કહે છે કે પાર્ટીમાં તેમને સામેલ કરવામાં આવે તે હવે સમય આવી ગયો છે. કરૂણાનિધીના પુત્ર દયાનિધી અલાગીરીને પણ ભાવિ નેતા તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. ટુંક સમયમાં પાર્ટીના ટોપ પર હોદ્દા માટે પસંદગી કરવામાં આવનાર છે. પાર્ટીમાં ટોપ નેતાઓ ખેંચતાણના કારણે પરેશાન છે. સોશિયલ મિડિયા ઉપર સમર્થનમાં કેટલાક વિડિયોની સાથે સાથે પોસ્ટર પણ મુકવામાં આવ્યા છે. જેમાં કરૂણાનિધિના પુત્ર દયાનિધિ અલાગીરીને ભવિષ્યના નેતા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે.
આવી સ્થિતિમાં ડીએમકેના પ્રવક્તા પણ અલાગીરીના મામલામાં ત્કોઇ પ્રતિક્રિયા આપી રહ્યા નથી. ડીએમકેના એક પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, મંગળવારના દિવસે પાર્ટીની કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. હવે જનરલ કાઉન્સિલિંગ પાસે ૮૦ દિવસનો સમય રહ્યો છે, જેમાં તે ભવિષ્યના મહત્વપૂર્ણ હોદ્દા અને મામલાઓને લઇને નિર્ણય કરશે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, કરૂણાનિધિના અવસાન બાદ પરિવારમાં સત્તા સંઘર્ષ ચરમસીમા ઉપર પહોંચી શકે છે.