ચેન્નાઇઃ તમિળનાડુના પાંચ વખતના મુખ્યમંત્રી રહેલા અને કલાઈનારના નામથી લોકપ્રિય ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરૂણાનિધિનું આજે સાંજે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થતાં તેમના લાખો સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.
દ્રવિડ આંદોલનના પરિણામ સ્વરુપે કરૂણાનિધિ રાજકીયરીતે ઉભરી આવ્યા હતા. આશરે છ દશક સુધી રાજકીય કેરિયરમાં મોટાભાગે તેઓ તમિળનાડુના રાજનીતિમાં મુખ્ય ધ્રુવ તરીકે રહ્યા હતા. ૫૦ વર્ષ સુધી પોતાની પાર્ટીના પ્રમુખ તરીકે રહ્યા હતા. સોમવારના દિવસથી જ તેમની તબિયત સતત ખરાબ થઇ રહી હતી. તેમના પેટની અંદર એક ટ્યુબ મુકવામાં આવ્યું હતું, જેથી દવાઓ અને ખાદ્ય ચીજવસ્તુઓ આપવામાં આવી રહી હતી. કરૂણાનિધિના બ્લડપ્રેશરમાં ઘટાડો થયા બાદ તેમની હાલત બગડી રહી હતી. શરૂઆતી સારવાર દરમિયાન તેમના બ્લડપ્રેશરને કાબૂમાં લેવાના પ્રયાસ થયા તા. શનિવારથી જ તેમની તબિયત વધારે લથડી ગઈ હતી.
બહુમુખી પ્રતિભા તરીકે પણ તેમને ગણવામાં આવતા હતા. તેમના અવસાનથી તમિળનાડુમાં એક મોટી રાજકીય જગ્યા ખાલી થઇ છે. છેલ્લા એક વર્ષથી કરૂણાનિધિ ઘરની બહાર નિકળી રહ્યા ન હતા. લોકોને પણ ઓછું મળી રહ્યા હતા. ૨૯મી જુલાઈના દિવસે તેમને કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૯મી જુલાઈના દિવસે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેજ દિવસે તેમને રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં તેમની તબિયત ગંભીર બની ત્યારે સમર્થકો મેદાનમાં જમા થયા હતા અને તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા. હોસ્પિટલે કહ્યું છે કે, આજે સાંજે ૬.૧૦ વાગે કરૂણાનિધિએ અંતિમ શ્વાસ લીધા હતા. કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્થકો ઉમટી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ પણ આઘાત વ્યક્ત કરીને દુખની લાગણી વ્યક્ત કરી છે. ચેન્નાઈમાં ડીએમકેના પ્રમુખના અવસાનના સમાચાર બાદ કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને તમિળનાડુની સેવા બંધ કરી દીધી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમના નિધનને લઇને દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ ડીએમકેના પ્રમુખ કરુણાનિધિની તબિયત હાલમાં એકદમ ગંભીર બની ગઈ હતી. તબીબોની ટીમ તેમની સ્થિતી પર નજર રાખી રહી હતી, પરંતુ આજે તબીબોની ટીમ પણ હિંમત હારી ગઈ હતી અને તેમનું અવસાન થયું હતું. ગઇકાલ રાતથી જ તેમની હાલત ખરાબ ખરાબ થયા બાદથી તેમના સમર્થકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી હતી. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. ડીએમકેના તમામ ટોપના નેતાઓ અને કાર્યકરો ચિંતાતુર દેખાઇ રહ્યા હતા. ૨૯મી જુલાઈથી કાવેરી હોસ્પિટલના આઈસીયુમાં તેમને રાખવામાં આવ્યા હતા. કરૂણાનિધિ પાંચ વખત તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. અગાઉ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રીની તબિયત ખરાબ થતાંની સાથે જ તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા.