કરતારપુર : પેનલમાં અનેક ખાલિસ્તાનીને લઇને દુવિધા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : કરતારપુર કોરિડોરને લઇને પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવેલી કમિટિમાં અનેક ખાલિસ્તાની અલગતાવાદીઓને સામેલ કરવાને લઇને ભારતે કઠોર વલણ અપનાવ્યું છે. ભારતે આને લઇને પાકિસ્તાન પાસેથી સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી છે. સાથે સાથે સ્પષ્ટપણેકહ્યું છે કે, જ્યાં સુધી પડોશી દેશ જવાબ આપશે નહીં ત્યાં સુધી કરતારપુર કોરિડોરને લઇને બંને દેશો વચ્ચે આગામી તબક્કાની વાતચીત કરી શકાશે નહીં. ભારતે શુક્રવારના દિવસે પાકિસ્તાનના નાયબ હાઈકમિશનરને બોલાવીને કરતારપુર પેનલમાં ખાલિસ્તાનીઓની ઉપસ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે પાકિસ્તાનના નાયબ હાઈકમિશનર સઇદ હૈદર શાહને એમ પણ કહ્યું હતું કે, કરતારપુર સાહેબ કોરિડોરને અટારીમાં થયેલી છેલ્લી બેઠકમાં નવી દિલ્હી તરફથી જે મુખ્ય પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા તે અંગે પણ પાકિસ્તાન પોતાનું વલણ સ્પષ્ટ કરે.

વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે કે, કોરિડોરના તોરતરીકાને લઇને બંને દેશો વચ્ચે થનારી બેઠક પાકિસ્તાનના જવાબ મળ્યા બાદ કોઇ યોગ્ય સમયે થઇ શકે છે. બંને દેશો વચ્ચે આગામી તબક્કાની વાતચીત વાઘા સરહદ ઉપર બીજી એપ્રિલના દિવસે થનારી હતી.

કોરિડોર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને તીવ્ર કરવા માટે ભારતે મધ્ય એપ્રિલમાં ટેકનિકલ નિષ્ણાતોની એક મિટિંગ માટે પ્રસ્તાવ આપ્યો છે જે મુદ્દા પર મતભેદ છે તે મુદ્દાઓને ઉકેલવાનો હેતુ આની પાછળ રહેલો છે. પાકિસ્તાન સ્થિત કરતારપુરમાં સીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવે ગૃહત્યાગ કર્યો હતો.

Share This Article