દિવ્યાંગ ખેલાડી પણ કોઇનાથી પણ ઉણા ઉતરતા નથી : ઘાવરી

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

ભારતીય ક્રિકેટ ઇતિહાસના લીજેન્ડ ખેલાડી અને પદ્મ શ્રી અજિત વાડેકરને શ્રધ્ધાંજલિ અર્પવાના ભાગરૂપે શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે દેશભરમાંથી આવેલા દિવ્યાંગ-ફિઝિકલી ચેલેન્જ્ડ ખેલાડીઓની ભારત ઇલેવન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એબલ્ડ ટીમ( શારીરિક રીતે સંપૂર્ણ ફીટ ખેલાડીઓની ટીમ) વચ્ચે  રસાકસીભરી ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં ડિસએબલ્ડ-દિવ્યાંગ ક્રિકેટરોની ભારત ઇલેવન ટીમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની એબલ્ડ ટીમ સામે માત્ર બે રનથી હારી હતી.

જા કે, આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલા ભારતીય ક્રિકેટના લીજેન્ડ ખેલાડી કરસન ઘાવરીએ દિવ્યાંગ-ફિઝિકલી ચેલેન્જ્ડ ખેલાડીઓનો ઉત્સાહ વધારતાં જણાવ્યું હતું કે, તમારી આ હાર એ હાર નથી પરંતુ જીત જેવી છે કારણ કે, તમે એક એબલ્ડ ટીમને જારદાર ફાઇટ આપી મર્દાનગીભરી રમત રમ્યા છો અને માત્ર બે રનથી જ હાર્યા છો એટલે એ તમારી જીત જેવી જ કહી શકાય. તેમણે ઉમેર્યું કે, આજના સમયમાં હવે દિવ્યાંગ ખેલાડીઓ કોઇનાથી કમ કે ઉણા ઉતરતા નથી અને સમાજે પણ તે વાસ્તવિકતા સ્વીકારવી પડશે. ઘાવરીએ દિવ્યાંગ ખેલાડીઓને જણાવ્યું કે, તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે, બસ મક્કમ મનોબળ અને દ્રઢ નિર્ધાર સાથે તમારા જીવનપથ પર આગળ વધતા જાઓ. દેશભરમાંથી આવેલા દિવ્યાંગ-ફિઝિકલી ચેલેન્જ્ડ ખેલાડીઓની ભારત ઇલેવન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એબલ્ડ ટીમ( શારીરિક રીતે સંપૂર્ણ ફીટ ખેલાડીઓની ટીમ) વચ્ચે રસાકસીભરી ફાઇનલ મેચ જાવા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજે ખુદ ભારતીય ક્રિકેટ ટીમના એક જમાનાના લીજેન્ડ ખેલાડી કરસન  ઘાવરી,  શહેરના મેયર શ્રીમતી બીજલબહેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિતના મહાનુભાવો પધાર્યા હતા.

મેચના પરિણામ બાદ અમ્યુકોની વિજેતા ટીમને વાડેકર કપ એનાયત કરાયો હતો તો, સાથે સાથે દિવ્યાંગ ક્રિકેટર ખેલાડીઓને પણ રનર્સ અપ પ્રાઇઝ અને ઇનામો એનાયત કરી તેઓને પણ સન્માનિત કરાયા હતા.  ગુજરાત ક્રિકેટ એસોસીએશન ફોર ડિસએબલ્ડના પ્રમુખ ગુરનામસિંહ મથારૂ, ઉપપ્રમુખ જીગ્નેશ ડાભી અને સેક્રેટરી દિપેન ગાંધીએ  દેશભરમાંથી આવેલા દિવ્યાંગ-ફિઝિકલી ચેલેન્જ્ડ ક્રિકેટરોનું વિશેષ સન્માન કરી તેઓનું પ્રોત્સાહન વધાર્યું હતું. હવે તા.૭ ડિસેમ્બરથી તા.૧૫ ડિસેમ્બર દરમ્યાન મુંબઇ ખાતે ભારતના આ દિવ્યાંગ ક્રિકેટરોની મેચ અફઘાનિસ્તાનથી આવી રહેલી દિવ્યાંગ ખેલાડીઓ સાથે યોજાશે. જેમાં બે ટી-૨૦ અને ત્રણ પંદર ઓવરની વન-ડે મેચનો સમાવેશ થાય છે. ભારતના દિવ્યાંગ ક્રિકેટરોએ અફઘાનિસ્તાન સામેની આગામી સીરીઝ જીતવાનો આશાવાદ વ્યકત કર્યો હતો.

Share This Article