અમદાવાદ : ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા છેલ્લાં બે વર્ષમાં ફટાફટ જે તે શહેર કે જિલ્લાનું નામ બદલીને તેને લોકોની લાગણી સાથે જોડવાનું કામ થઇ રહ્યું છે તેવા સંજોગોમાં ગઇકાલે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો મુદ્દો વિચારણામાં છે તેવો અભિપ્રાય મીડિયા સમક્ષ વ્યક્ત કરતાં વર્ષોજૂનો આ મુદ્દો ફરી ઊછળ્યો છે, જોકે શહેરના ભાજપના શાસકો આ મામલે રાજ્ય સરકારના આદેશની રાહ જોઇ રહ્યા હોઇ અત્યારે કશું કહેવા તૈયાર નથી.
કારણ કે, જા અમદાવાદનું નામ કર્ણાવતી કરવું હશે તો સૌથી પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિધિવત્ ઠરાવ કરવો પડશે અને તેની પર કેન્દ્રની મંજૂરી લેવી પડશે. ઉત્તરપ્રદેશમાં માત્ર બે વર્ષથી સત્તાસ્થાને રહેનાર યોગી આદિત્યનાથ જે રીતે યુપીના શહેર-?જિલ્લાને પ્રાચીન નામ સાથે જોડી રહ્યા છે તેના કારણે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો એક પ્રકારે ભાજપના સત્તાધીશો દ્વારા ભુલાઇ ગયેલો મુદ્દો પુનઃ ચર્ચાસ્પદ બન્યો છે. છેક ર૦૦પથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાનાં સૂત્રો સંભાળનાર ભાજપના મ્યુનિસિપલ કહો કે શહેર એકમના નેતા ગણો, પરંતુ આ નેતાઓના લેટરપેડ પર પોતાનો હોદ્દો દર્શાવવા અમદાવાદને બદલે કર્ણાવતી એવા શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છૂટથી થઇ રહ્યો છે.
આ તો ઠીક, જે તે શહેર સ્તરના કાર્યક્રમોમાં પણ પોતાના પ્રવચનમાં અમદાવાદ બોલવાનું રાખીને કર્ણાવતી કહેવાનું પસંદ કરનાર નેતાઓનો પણ તોટો નથી તેમ છતાં આજે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય અને કેન્દ્રમાં ભાજપનું શાસન હોવા છતાં શહેરનું સત્તાવાર નામ અમદાવાદ જ છે. સતત ૧૩ વર્ષથી શહેરની ધુરા ભાજપના હાથમાં છે. છેલ્લા રપ વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે. કેન્દ્રમાં છેલ્લા સાડા ચાર વર્ષથી ભાજપ સત્તાસ્થાને હોવા છતાં અમદાવાદ નામ બદલીને કર્ણાવતી કરવાની દિશામાં એક ડગલું પણ ભરાયું નથી. આજથી ર૮ વર્ષ પહેલાં એટલે કે ૧૯૯૦માં તત્કાલીન ભાજપના શાસકોએ મ્યુનિસિપલ બોર્ડમાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. ત્યારબાદ આ ઠરાવને કેન્દ્ર સમક્ષ મંજૂરી માટે મોકલાવ્યો હતો, પરંતુ તત્કાલીન વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા વર્ષ ર૦૦રમાં આ ઠરાવને ફગાવી દેવાયો હતો. ત્યારબાદ વર્ષ ર૦૦૦થી ર૦૦પના સમયગાળામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપલટો થઇને કોંગ્રેસનું શાસન આવ્યું હતું અને તત્કાલીન કોંગ્રેસના શાસકોએ ભાજપના અમદાવાદનું કર્ણાવતી કરવાના જૂના ઠરાવને બદલે શહેરનું નામ અમદાવાદ તરીકે જાળવી રાખવાનો ઠરાવ મ્યુનિસિપલ બોર્ડમાં પસાર કર્યો હતો. જે તે વખતે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની બાબતની ગુજરાત ભાજપને યાદ દેવડાવી હતી ત્યારે શહેરના શાસકોએ આ અંગે ચર્ચા વિચારણા કરવાનું આશ્વાસન આપીને સમગ્ર બાબતને ભુલાવી હતી. જો કે હવે કર્ણાવતીનો મુદ્દો પુનઃ ગાજવા લાગતા ભાજપ મોવડીમંડળ મ્યુનિસિપલ બોર્ડમાં આને લગતો ઠરાવ નવેસરથી કરવાનો આદેશ મ્યુનિસિપલ ભાજપને ક્યારે કરે છે તે જોવાનું રહે છે.
આ અંગે મેયર બીજલબહેન પટેલને પૂછતાં તેઓ એ બાબતનો સ્વીકાર કરે છે કે સુબ્રહ્મણ્યમ સ્વામીના નિવેદન અંગે ભાજપ મોવડીમંડળનું માર્ગદર્શન લેવાયું ન હતું, પરંતુ હવે જ્યારે નવેસરથી કર્ણાવતીનો મુદ્દો ઊઠ્યો છે તો અમે રાજ્ય સરકારના આદેશની રાહ જોઇ રહ્યા છીએ. ભાજપ મોવડી મંડળ કે રાજ્ય સરકારનું જે માર્ગદર્શન અમને મળશે તે મુજબ અમે આગળ વધીશું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે નો કોમેન્ટ કહી આ મામલે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.