બેંગલોર : કર્ણાટકમાં મુખ્યપ્રધાન કુમારસ્વામીની ખુરશી બચશે કે જશે તે સંબંધમાં આજે ફેંસલો થનાર છે. આજે સવારે જોરદાર રાજકીય ડ્રામાબાજી વચ્ચે વિશ્વાસમત પર ચર્ચા ફરી શરૂ થઇ હતી. ગઇકાલે ગુરૂવારના દિવસે જોરદાર અને લાંબા ચર્ચા ચાલ્યા બાદ હવે ફરી ચર્ચા શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ વિશ્વાસમત પર ચર્ચાને ગઇકાલે રાત્રે સ્થગિત કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ આની સામે દેખાવો રાતભર કર્યા હતા. ભાજપના ધારાસભ્યો રાત્રી ગાળા દરમિયાન ધરણા પર રહ્યા બાદ કોંગ્રેસના અને જેડીએસના કેટલાક સભ્યો ચા નાસ્તા સાથે પહોંચ્યા હતા. ગુરુવારના દિવસે વિશ્વાસમત પરીક્ષણ વગર સ્પીકર રમેશકુમારે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
આનો વિરોધ કરીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. ભાજપના ધારાસભ્યોએ માંગ કરી હતી કે, સ્પીકર રાજ્યપાલના પત્રનો જવાબ આપે અને વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાવે. માંગ ન માનવાનીસ્થિતિમાં ધારાસભ્યોએ રાત્રે વિધાનસભા સંકુલમાં ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી. રાતભર ધરણાનો દોર ચાલ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી કુમારસ્વામીએ ગઇકાલે ગૃહમાં વિશ્વાસમત પરીક્ષણ માટે તારીખ નક્કી કરી હતી.
ગુરુવારે સવારે વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જોરદાર ચર્ચા થઇ હતી. દિવસને પૂર્ણ કરવા માટે લાંબા ભાષણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગાળા દરમિયાન ભાજપના એક મંત્રીમંડળે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને મામલામાં દરમિયાનગીરી કરવા અપીલ કરી હતી. તેઓએ રાજ્યપાલને અપીલ કરી હતી કે, સ્પીકરને વિશ્વાસમત ઉપર ચર્ચા જારી રાખીને પ્રક્રિયાને પૂર્ણ કરે. ત્યારબાદ રાજ્યપાલે સ્પીકરને પત્ર લખીને ગુરુવારના દિવસે જ વિશ્વાસમત પરીક્ષણ કરવા પર વિચારણા કરવા કહ્યું હતું. જો કે સ્પીકરે વિશ્વાસ મત પર કાર્યવાહીને સ્થગિત કરી દીધી હતી.