બેંગલોર : કર્ણાટકના માંડ્યામાં એક બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના મોત થઈ ગયા છે અને અન્ય કેટલાક ઘાયલ થઈ ગયા છે. ઘાયલ થયેલા કેટલાક લોકો પૈકી પણ અનેકની હાલત ગંભીર જણાવામાં આવી છે. એક ખાનગી બસના ડ્રાયવરે અંકુશ ગુમાવતા આ બસ કાવેરી નદી સાથે જાડાયેલી એક નહેરમાં ખાબકી ગઈ હતી. બચાવ અને રાહત કામગીરી તરત જ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તરત જ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી પરમેશ્વરાએ કહ્યું હતું કે આ દુર્ઘટનામાં ૨૫ લોકોના મોત થઈ ગયા છે. તેમણે કબુલાત કરી હતી કે ડ્રાયવરે યોગ્ય રીતે બસને ચલાવી ન હતી. આ મામલામાં તપાસ શરૂ કરવામાં આવી ચુકી છે. માંડ્યા જિલ્લામાં કાવેરી નદીથી નિકળનાર વીસી નહેરમાં ખાનગી બસ ગબડી ગઈ હતી.
જિલ્લાના પાંડવપુરા વિસ્તારની નજીક આ ઘટનામાં કોઈને બચવાની જલ્દી તક મળી ન હતી અને તમામ લોકો ડુબી ગયા હતા. મૃતકોનો આંકડો વધી શકે છે. કારણ કે આમાં ઘાયલ થયેલાઓમાં બાળકો અને મહિલાઓ પણ છે. સ્થાનિક લોકોની મદદ પણ બચાવ અને રાહત કામગીરી માટે લેવામાં આવી હતી. માર્યા ગયેલા લોકો પૈકી મોટાભાગના સ્કુલી બાળકો હોવાનું જાણવા મળ્યું છે. આજે બપોરે ૧૨.૨૫ વાગ્યાની આસપાસ નહેરમાં ખાબકી ગઈ હતી. બસ નહેરમાં ખાબકી ગઈ છે તેવી માહિતી મળતાની સાથે જ તરત જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ૨૫થી વધુ લોકોના મોત ઘટના સ્થળે જ થઈ ગયા હતા. એક વિદ્યાર્થી બસમાંથી કુદી ગયો હતો. જેને બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. બસની અંદર કેટલા લોકો હતા તે સંદર્ભમાં હજુ માહિતી મળી શકી નથી જેથી મોતના આંકડાને લઈને પણ દુવિધાભરી સ્થિતિ સર્જાયેલી છે. એકમાત્ર બચી ગયેલા વિદ્યાર્થી પાસેથી જ વધુ માહિતી મળી શકે તેવી સ્થિતિ છે પરંતુ આ વિદ્યાર્થીએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી. બીજી બાજુ ઈજાગ્રસ્તોને નજીકની હોÂસ્પટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી કુમારસ્વામીએ દુર્ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે વળતરની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. હાલના સમયની સૌથી મોટી બસ દુર્ઘટના પૈકીની એક તરીકે આને ગણવામાં આવે છે. આ દર્દનાક બસ દુર્ઘટના બાદ સમગ્ર કર્ણાટકમાં ખળભળાટ મચી ગયો હતો. પાંડવપુરા તાલુકામાં ગામ નજીક આ દુર્ઘટના અંગે માહિતી મળ્યા બાદ પોલીસ તંત્રમાં પણ ભાગદોડ મચી ગઈ હતી અને મૃતકો અંગે માહિતી મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની ઓળખ થઈ શકી ન હતી. આ સંદર્ભમાં વધુ માહિતી મેળવવા માટે નવા નંબર જારી કરવામાં આવ્યા હતા. મોડે સુધી મૃતકોની ઓળખ થાય તેમ માનવામાં આવે છે.