અમદાવાદ : અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં મંગળવારે શરૂ થયેલા કાંકરિયા કાર્નિવલના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્નિવલના ભાગરુપે ૨૦૦૦૦થી પણ વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આજે બીજા દિવસે બાળકો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ વર્ષે કાર્નિવલમાં જે સૌથી મોટુ આકર્ષણ છે તે બુલેટ ટ્રેન અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેને ભારે આકર્ષણ જમાવ્યું છે. વર્ષ ૨૦૦૮થી દર વર્ષે આયોજિત થનાર કાંકરિયા કાર્નિવલ ૩૧મી ડિસેમ્બર સુધી ચાલનાર છે.
૧૧માં કાંકરિયા કાર્નિવલની ગઇકાલે મંગળવારના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. આજે બીજા દિવસે હાઉસફુલનો શો રહ્યો હતો. રંગબેરંગી રોશનીથી કાંકરિયા કાર્નિવલના વિસ્તારને સજાવવામાં આવ્યું છે. મહાનગર પાલિકા તરફથી બુલેટ ટ્રેન જેવા લુક ધરાવતી ટ્રેનનું મુખ્ય આકર્ષણ છે. આ ટ્રેન પોયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે.
આની સાથે સાથે ૫૫ લાખ રૂપિયાના ખર્ચે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સ્થાયીરીતે તૈયાર છે જેમાં જમવા માટે ૩૦૦ રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે. આ ઉપરાંત બેટરીથી ચાલતા વાહનો, જેટ સ્કી તથા ઇન્જેક્ટ એર ડિફ્યુઝન જેવા આકર્ષણ પણ ઉમેરવામાં આવ્યા છે. ડોગ શો અને હોર્સ શો પણ આકર્ષણનું કેન્દ્ર છે. ૩૧મી ડિસેમ્બર સુધી ચાલનાર આ કાર્નિવલમાં ૨૫ લાખથી પણ વધુ લોકો પહોંચે તેમ માનવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, હાસ્ય કાર્યક્રમો, પપેટ શો, આતશબાજી પણ મુખ્ય આકર્ષણ છે.