અમદાવાદ : કાંકરિયા કાર્નિવલને લઇને સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. કાર્નિવલમાં કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ત્રણ ડીસીપી રેંકના અધિકારીઓ, ત્રણ એસીપી, ૩૧ પીઆઈ, ૧૦૦ વાયરલેસ પીએસઆઇ, ૧૨૯૬ એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ અને ૧૯૦ મહિલા હેડકોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની ગોઠવણી કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત ૨૬૦ એસઆરપીના જવાનો અને આશરે ૨૦૦ હોમગાર્ડના જવાનો પણ સુરક્ષાના ભાગરુપે ગોઠવી દેવામાં આવ્યા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્તની જરૂર રહેલી છે. કારણ કે, લાખોની સંખ્યામાં લોકો કાર્નિવલમાં આવનાર છે. સમાજ વિરોધી તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લેવાની તક આવા બનાવોમાં રહેલી હોય છે જેથી પુરતી સંખ્યામાં સુરક્ષા ગોઠવવામાં આવી રહી છે. ભાડુતી ચોરી કરનાર વાહનોના લોકોના રોકવાના પ્રયાસ પણ કરાશે. આ ઉપરાંત કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરનાર, મોબાઇલ, પોકેટ અન્ય ચીજાની ચીલઝડપને રોકવા માટે પણ પગલા લેવામાં આવ્યા છે. આ વખતે વાહનોની ચોરીને રોકવા માટે વિશેષ ઇરાદા સાથે ૧૧ પા‹કગ વિસ્તાર બનાવવામાં આવ્યા છે જ્યાં સીસીટીવી કેમેરા રહેશે.
મોટી સંખ્યામાં બાળકો પહોંચે છે જેથી કોઇ બાળક લાપત્તા થઇ જવાની સ્થિતિમાં મદદ માટે વિશ્વકુંજ ગેટ ખાતે પોલીસ કન્ટ્રોલ રુમની સ્થાપના કરવામાં આવી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. એન્ટી રોમિયો ટીમ પણ ગોઠવવામાં આવી છે જે છેડતીના બનાવને રોકવામાં મદદરુપ થશે. યુવતીઓ અને મહિલાઓ સ્વતંત્રરીતે કાર્યક્રમોની મજા માણી શકે તે હેતુથી વિવિધ પગલા લેવાયા છે.